‘દરિયાપુર કો શાહીનબાગ બના દો’ વાઈરલ કરનારા સામે કાર્યવાહી કરો

ગુજરાત મુખ્ય સમાચાર

દેશમાં CAA-NRCના વિરોધમાં અને સમર્થનમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં CAA-NRCના વિરોધમાં શાંતિપૂર્ણ-અહિંસક દેખાવ થયા છે અને કોઈ અનિચ્છનિય ઘટના બની નથી, છતાં કેટલાક રાજકીય તત્વો અમદાવાદ સહિત ગુજરાતની શાંતિ ડહોળવા મેદાને પડ્યા છે તેવી ફરિયાદ સાથે કોંગ્રેસના શાહપુર-દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

મુખ્યપ્રધાનને પાઠવેલાં પત્રમાં શેખે જણાવ્યું છે કે, ‘દરિયાપુર કો શાહીનબાગ બના દો’ના સમાચાર પહેલા દિવસે સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવ્યા અને બીજા દિવસે રેલી નીકળે અને ત્રીજા જ દિવસે IBને મળેલો નનામો પત્ર લીક થાય એ ઘટનાક્રમ શંકા ઉપજાવે છે. CAA-NRCના સમર્થનમાં નીકળેલી રેલીમાં ‘દેશ કે ગદ્દારો કો ગોલી મારો’ના ઉશ્કેરણીજનક સૂત્રો લખાયા હતા, ઉચ્ચારાયા હતાં. ગુપ્તચર એજન્સી-IBની કામગીરી અત્યંત ગુપ્ત હોય છે ત્યારે રાજકીય નેતાઓ પર હુમલો થવાનો છે તેવો નનામો પત્ર લીક થાય તેમાં રાજકીય કાવતરાંની ગંધ આવે છે. વાઈરલ થયેલાં નનામા પત્ર કોણ લખે છે અને કોણ લીક કરે છે તેની તટસ્થ તપાસ કરીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

શેખે જણાવ્યું છે કે, શાહપુર-દરિયાપુરમાં સંપૂર્ણ શાંતિ પ્રવર્તી રહી છે ત્યારે પ્રજાને ઉશ્કેરવા માટે ભેદી કારણોસર કોના ઈશારે રેપીડ એક્શન ફોર્સ માર્ચ કરી રહી છે? અમદાવાદમાં કોમી તોફાનો થવાના છે તેવો ભયનો માહોલ ચોક્કસ તત્ત્વો દ્વારા ઊભો કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકોમાં ભયનો માહોલ ઊભો ન થાય તે માટે જવાબદાર તત્વો સખત કાર્યવાહી કરવી જોઈએ.