કૉંગ્રેસ છોડનાર જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ભાજપમાં જોડાઈ ગયા છે. દિલ્હીમાં ભાજપની હૅડ ઑફિસે તેઓ ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને અન્ય નેતાઓની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
આ દરમિયાન રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહેલોતે કહ્યું છે કે આવા તકવાદીઓએ પાર્ટી વહેલી જ છોડી દેવી જોઈતી હતી. 18 વર્ષ કૉંગ્રેસે એમને ઘણું આપ્યું છે અને લોકો તેમને પાઠ ભણાવશે.
મધ્ય પ્રદેશના રાજકીય સંકટની વચ્ચે ભાજપે તેના ધારાસભ્યોને હરિયાણાના ગુરુગ્રામ ખાતે લઈ ગયા છે. બીજી બાજુ, કૉંગ્રેસના ધારાસભ્યોને વિશેષ વિમાન દ્વારા બુધવારે સવારે રાજસ્થાનના જયપુર લઈ જવાયા.
ભાજપ નેતા કૈલાસ વિજયવર્ગીયે કહ્યું છે કે, આ તો હજી શરૂઆત છે. સિંધિયાજીની જેમ અન્ય પ્રદેશોમાં પણ આમ થશે.
આ તરફ સિંધિયા સમર્થક ધારાસભ્યો બેંગલુરુ ખાતે એક રિસોર્ટમાં છે અને તેમણે પોતાના રાજીનામા સ્પીકરને મોકલી આપ્યા છે.
સ્પીકર એન. પી. પ્રજાપતિનું કહેવું છે કે તેઓ નિયમ મુજબ નિર્ણય લેશે. બીજી બાજુ, રાજ્યપાલ લાલજી ટંડનનું કહેવું છે કે હાલના તબક્કે તેમણે કંઈ કરવાનું નથી.
આ પહેલાં મધ્ય પ્રદેશમાં ધુળેટીના દિવસે રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે, બળવાખોર જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટી છોડી દીધી, તેમણે કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો.
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે ધારાસભ્યો સાથેની બેઠક પછી રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો છે.
કમલનાથે કહ્યું છે કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. અમે બહુમત સાબિત કરીશું અને અમારી સરકાર કાર્યકાળ પૂરો કરશે.
મધ્ય પ્રદેશ કૉંગ્રેસના નેતા અર્જુનસિંહના કહેવા પ્રમાણે, સિંધિયાના જવાથી કોઈ ફેર નહીં પડે તથા સરકાર ટકી રહેશે.
આ પહેલાં મંગળવારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.
બીજી બાજુ, કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તાત્કાલિક અસરથી જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટીમાંથી બરતરફ કર્યા છે.
કૉંગ્રેસના નેતા કે. સી. વેણુગોપાલે આ જાહેરાત કરી હતી.
મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિરોધપક્ષ ભાજપના નેતા કૉંગ્રેસના 19 બળવાખોર ધારાસભ્યોનાં રાજીનામાં સાથે સ્પીકર એન. પી. પ્રજાપતિ પાસે પહોંચ્યા હતા.
બીજી બાજુ, કૉંગ્રેસના નેતા સજ્જનસિંહ વર્મા તથા ડૉ. ગોવિંદ સિંહ નારાજ ધારાસભ્યોને મનાવવા માટે બેંગલુરુ પહોંચ્યા છે.
જ્યોતિરાદિત્યના વિસ્ફોટ પછી કમલનાથ રાજીનામું આપશે?
ભોપાલ સ્થિત બીબીસીના સહયોગી પત્રકાર શુરૈહ નિયાઝીએ કહ્યું કે, મુખ્ય મંત્રી કમલનાથે કૉંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરી છે. આ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે નારાજ ધારાસભ્યોને મનાવાશે અને મુખ્ય મંત્રી રાજીનામું નહીં આપે.
આ દરમિયાન સ્પીકર એનપી પ્રજાપતિએ કહ્યું છે કે તેઓ નિયમ અનુસાર કાર્યવાહી કરશે.
જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામા પર કૉંગ્રેસમાંથી પણ પ્રતિક્રિયા આવી રહી છે.
મધ્ય પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અરૂણ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે, જ્યોતિરાદિત્ય સિંઘિયા દ્વારા અપનાવવામાં આવેલા ચરિત્ર બાબતે મને કોઈ અફસોસ નથી. સિંધિયા ખાનદાને આઝાદીના આંદોલનમાં પણ અંગ્રેજ હકૂમત અને તેનો સાથ આપનારી વિચારાધારની હરોળમાં ઊભા રહી એમની મદદ કરી હતી. આજે જ્યોતિરાદિત્ય ફરી એ જ ઘૃણાસ્પદ વિચારધારાની સાથે ઊભા રહીને પોતાના પૂર્વજોને સલામી આપી છે. અંગત સ્વાર્થ માટે કૉંગ્રેસ પાર્ટી અને કાર્યકરોના સંઘર્ષને આગમાં નાખનારા જયચંદો-મીર જાફરોને આવનારો સમય પાઠ ભણાવશે.
કૉંગ્રેસના પ્રવક્તા શોભા ઓઝાએ ટ્વીટ કર્યું છે કે, ગ્વાલિયર-ચંબલ સંભાગના તમામ કાર્યકરોને આજે મળેલી સાચી આઝાદીની વધામણી. જેમના અધિકારોને મહેલ અને તેના ચાટુકારોના અંગત સ્વાર્થ માટે બલિ ચઢાવાતા હતા તેવા ચંબલના તમામ કૉંગ્રેસીઓ માટે આજે મુક્તિનું પર્વ છે.
તો મધ્ય પ્રદેશ કૉંગ્રેસ નેતા પીસી શર્માએ કહ્યું કે, હવે તમને કમલનાથનો માસ્ટર સ્ટ્રોક જોવા મળશે.
આ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયા દિલ્હી પહોંચ્યા છે. તેમણે દિલ્હી નિવાસસ્થાને પહોંચતા સમાચાર સંસ્થા એએનઆઈને હેપ્પી હોલી કહ્યું હતું.
આ દરમિયાન દિલ્હી સ્થિતિ ભાજપની હૅડઑફિસે તેમજ મધ્ય પ્રદેશમાં પણ બેઠકો ચાલી રહી છે.
દિલ્હી ભાજપની ઑફિસે અમિત શાહ અને નરેન્દ્ર મોદી હાજર છે.

