અમદાવાદ: ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચલાવનાર હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડશે. ઉત્તર પ્રદેશમાં લખનઉથી સભાને સંબોધન કર્યા બાદ નિવેદનમાં લોકસભાની ચૂંટણી લડવાનું જણાવ્યું હતું.
મહેસાણા સહિત 3 જગ્યાએ ચૂંટણી લડવાને લઈને ચર્ચાઓ1.હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવા માટે પોતાનો મત રજૂ કર્યો એ પહેલા તે ઉત્તર ગુજરાતના મહેસાણા લોકસભા બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવશે તેવી રાજકીય ચર્ચાઓ ચાલતી હતી. હાલમાં તે સૌરાષ્ટ્રની અમરેલી અને પોરબંદર સીટ પરથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. અમરેલી એ ગુજરાતમાં સૌથી વધુ પટેલ વસ્તી ધરાવતો જિલ્લો છે.
હાર્દિકને જિગ્નેશ મેવાણીની જેમ કોંગ્રેસ મદદ કરે તેવી શક્યતા2.જિગ્નેશ મેવાણીએ વડગામ બેઠક પર અપક્ષ ચૂંટણી લડીને જીત મેળવી હતી. હાર્દિક પટેલને પણ કોંગ્રેસ અપ્રત્યક્ષ મદદ કરીને ચૂંટણી લડવામાં મદદ કરી શકે તેવી એક ચર્ચા છે.
લોકોની પીડા સમજી શકશેઃ ધાર્મિક3.સુરત પાસ કન્વીનર ધાર્મિક માલવીયાએ કહ્યું હતું કે, ચોક્કસ સમાજના લોકો અને રાજકીય આગેવાનો હાર્દિકને લોકસભાની ચૂંટણી લડવા કહે છે. વડીલોનો અભિપ્રાય લેતા રાજનીતિમાં આવવું એવી લાગણી બહાર આવી. આંદોલનકારી રાજનીતિમાં આવશે તો લોકોની પીડા સમજી શકશે.
દરેક કદમ પર હાર્દિક સાથેઃ નિખીલ4.સુરત પાસના કન્વીનર નિખીલ સવાણીએ જણાવ્યું હતું કે, હાર્દિકનો ચૂંટણી લડવાનો નિર્ણય આવકાર્ય છે. હાર્દિક લોકો સાથે ન્યાય માટે લડતો રહ્યો છે. અને લડતો રહેશે. હાર્દિકે હાલ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. અને ક્યાંથી લડશે તે પોતે જ નક્કી કરશે. પણ અમે તેના દરેક કદમ પર તેની સાથે છીએ.