મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોટી ભેટ આપી છે. કેબિનેટની બેઠકમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથૃથા(ડીએ)માં ચાર ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.
કેબિનેટ બેઠક પછી માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે બેઠકમાં છ મહત્ત્વૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં યસ બેંકના રિસ્ટ્રકચર યોજનાને મંજૂરી, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના ડીએમાં ચાર ટકાનો વધારો, નિકાસ સંબિધત મહત્ત્વપૂર્ણ નિર્ણયો સામેલ છે.
ડીએ વધારવાના સરકારના નિર્ણયથી 48 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. સરકારે ચાર ટકા ડીએ એક જાન્યુઆરી, 2020થી વધારવાનો નિર્ણય લીધો છે. એક કરોડ 13 લાખ પરિવારોને આ નિર્ણયથી ફાયદો થશે.
પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે મોદી સરકારે એક જાન્યુઆરી, 2016ના રોજ સાતમા પગાર પંચને અમલમાં મૂકવાનો નિર્ણય લીધા હતો. તે વખતે પણ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થયો હતો.
હવે કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ 17 ટકાથી વધીને 21 ટકા થઇ ગયો છે. ચાર ટકા ડીએ વધારવાના નિર્ણયથી સરકારી તિજોરી પર 14,595 કરોડ રૂપિયાનો બોજ પડશે.
કેન્દ્રીય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં ઉત્પન્ન થતા સૂકા નાળિયેરના ટેકાના ભાવમાં પણ વધારોે કરવામાં આવ્યો છે. સૂકા નાળિયેરના ટેકાના ભાવ 9521 રૂપિયા હતો જેમાં 439 રૂપિયાનો વધારો કરીને 9960 રૂપિયા કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી 30 લાખ ખેડૂતોને લાભ મળશે.
જાવડેકરે જણાવ્યું હતું કે દેશમાંથી યુરિયાની નિકાસ વધે અને આયાત પર નિર્ભર રહેવું ન પડે તે માટે દેશમાં યુરિયાનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે કેબિનેટની બેઠકમાં યસ બેંકના રી સ્ટ્રકચર પ્લાનને પણ મંજૂરી આપી દીધી છે. નાા પ્રધાન નિર્મલા સિતારમને આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે યસ બેંકમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 49 ટકા શેર ખરીદશે. તેમણે જણાવ્યું હતું કે 26 ટકા શેરમાં 3 વર્ષનો લોક ઇન પિરિયડ હશે. જ્યારે ખાનગી રોકાણકારો માટે પણ 3 વર્ષનો લોક ઇન પિરિયડ હશે.
નિર્મલા સિતારમને જણાવ્યું હતું કે રી સ્ટ્રકચરિંગ પ્લાનનું નોટિફિકેશન ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથૃથાનો દર ફુગાવાના દરને આધારે નક્કી કરવામાં આવે છે.

