દેશમાં કોરોનાની સ્થિતી જોતા આગામી 3 મે સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે, આજે 21 દિવસનું લોકડાઉન પુરૂ થતા મોદીએ દેશને સંબોધન કર્યું હતુ, કોરોનાને આગળ વધતો અટકાવવા કડક નિર્ણય લેવાયો છે,આગામી 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે, મોદીએ લોકોને શાંતિથી અપીલ કરી છે કે તેઓ ઘરોમાં રહીને કોરોના સામે લડત આપે, 20 એપ્રિલ સુધી દરેક જિલ્લાઓમાં, તાલુકાઓમાં લોકડાઉન અંગેનું મૂલ્યાંકન થશે, જો કોઇ જગ્યાએ સ્થિતી સામાન્ય થઇ જશે, કોરોનાને કેસ વધતા અટકી જશે તો આ જગ્યાઓએ કેટલીક છૂટછાટ આપવામાં આવશે.
મોદીએ કોરોના મામલે કહ્યું કે આજે વિશ્વમાં કોરોના મહામારીની ભયંકર સ્થિતી છે, અને ભારત કોરોના સામે મજબૂત રીતે લડી રહ્યું છે, કહ્યું કે જ્યારે કોરોનાની દુનિયામાં શરૂઆત થઇ ત્યારે જ ભારતે તમામ એરપોર્ટ પર લોકોનું ચેકિંગ શરૂ કરી દીધું હતુ, અને કોરોનાને રોકવાની શરૂઆત કરી હતી.
મોદીએ કહ્યું કે અન્ય કેટલાક દેશોની સરખામણીમાં ભારતમાં સ્થિતી સારી છે, ભારતમાં ઘણા ઓછા લોકો કોરોના પોઝિટિવ બન્યાં છે, આપણે ઝડપથી નિર્ણયો લેતા કોરોનાને મ્હાત આપી છે. મોદીએ કહ્યું કે લોકડાઉનને કારણે આર્થિક રીતે ભારતને મોટું નુકસાન છે, પરંતુ દેશવાસીઓની જિંદગી પહેલા જરૂરી છે.
મોદીએ ગરીબોની ચિંતા કરતા કહ્યું કે લોકડાઉનથી સૌથી વધુ ગરીબોની મુશ્કેલીઓ વઘી રહી છે, પરંતુ તેમના માટે વ્યવસ્થા કરાશે, તેમને ખેડૂતો અને શ્રમિકોની પણ ચિંતા કરી, સાથે જ નવી ગાઇડલાઇન્સ જાહેર કરાશે તેવી વાત કરી છે, મોદીએ લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહીની પણ વાત કરી છે, તેમને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની ફરી વાત કરી, માસ્કનો ઉપયોગ કરવા કહ્યું, સાથે જ ઉકાળો અને આર્યુવેદિક વસ્તુઓના સેવનની લોકોને અપીલ કરી. મોદીએ લોકોને કહ્યું કે તમે પોલીસકર્મી, ડોક્ટર મેડિકલ સ્ટાફ સહિતના કોરોના ફાઇટર્સનું સન્માન કરો.
બાબા સાહેબ આંબેડકરની જયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલી આપી હતી, તેમના બલિદાન-ત્યાગને યાદ કર્યું હતુ, કહ્યું કે કોરોના સામેની મજબૂત લડાઇનો સંકલ્પ જ બાબાસાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલી છે.
મોદીએ દેશના જુદા જુદા રાજ્યોમાં ચાલી રહેલા તહેવારોની વાત કરી હતી, કહ્યું કે દેશની જનતાએ ઘરોમાં જ રહીને તહેવારો મનાવ્યાં છે, લોકડાઉનની સ્થિતીમાં લોકોને પડતી તકલિફોની વાત કરીને કહ્યું કે લોકોએ ઘરોમાં રહીને કોરોના સામેની લડાઇમાં દેશને સપોર્ટ કર્યો છે.