લોકડાઉન લંબાવાતા વિમાન અને રેલવે સેવા પણ 3 મે સુધી બંધ રહેશે

મુખ્ય સમાચાર રાજકીય

ત્રણ મેની મધ્ય રાત્રિ સુધી તમામ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક કોમર્શિયલ પેસેન્જર ફલાઇટ બંધ રહેશે તેમ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.

કોરોના વાઇરસ સામે લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન ૩ મે સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવ્યા પછી નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર ફલાઇટ ૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી બંધ રાખવામાં આવી હતી.

મંત્રાલયે ટ્વિટર પર જણાવ્યું છે કે તમામ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફલાઇટ ૩ મે, ૨૦૨૦ની મધ્ય રાતિ સુધી બંધ રાખવામાં આવશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ટ્વિટ પછી નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લોકડાઉન ૩ મે સુધી લંબાવવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નિર્ણય યોગ્ય છે.

બીજી તરફ રેલવે મંત્રાલયે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકડાઉન લંબાવવાના નિર્ણયને પગલે તમામ પેસેન્જર ટ્રેનો ત્રણ મે સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ટ્રનો ૨૫ માર્ચથી જ બંધ છે.

રેલવે મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે જે યાત્રીઓએ અગાઉથી ટિકિટ બુક કરાવી છે તેઓ ૩૧ જુલાઇ સુધી રિફંડ મેળવી શકશે. જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું છે અને તેમની ટિકિટ કેન્સલ થઇ નથી તેમને તેમની ટિકિટનું સંપૂર્ણ રિફંડ મળી જશે.

રેલવે મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે પ્રિમિયમ ટ્રેન, મેલ/એક્સપ્રેસ ટ્રેન, પેસેન્જર ટ્રેન, સબરબન ટ્રેન, કોલકાતા મેટ્રો રેલ, કોંકાણ રેલવે ૩ મેના રોજ રાતે ૧૨ વાગ્યા સુધી બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ૯૦૦૦ પેસેન્જર ટ્રેન, ૩૦૦૦ મેલ એક્સપ્રેસ ટ્રેન સહિત કુલ ૧૫,૫૨૩ ટ્રેનો છે.