વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પંચાયતી રાજના દિવસે સમગ્ર દેશના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફત વાતચીત કરી. વડાપ્રધાને ચર્ચા દરમિયાન કોરોના વાઈરસથી લઈને ગામડાઓના વિકાસ કાર્યો પર સરપંચો અને ગ્રામ પ્રધાનો સાથે વાત કરી. આ સમયે તેમણે ગામડાઓ માટે ગ્રામ સ્વરાજ અને સ્વામિત્વ એમ બે મહત્વપૂર્ણ યોજનાઓની જાહેરાત કરી. આ બંને જાહેરાતો એક રીતે પંચાયતોના ડિજિટલીકરણની શરૂઆત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા દરમિયાન ગ્રામ પ્રધાનો અને સરપંચોએ કોરોના મહામારી દરમિયાન ગામડાઓમાં કરવામાં આવી રહેલા કાર્યોની વિગતો જણાવી હતી. વડાપ્રધાન મોદીએ સરપંચો અને ગ્રામ પ્રધાનો સાથે કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે પણ વાત કરી. તેમણે યોજનાનો લાભ કેવી રીતે મળે છે અને તેમની પ્રતિક્રિયા શું છે તેની પણ માહિતી મેળવી. વડાપ્રધાને છ રાજ્યોમાં ‘સ્વામિત્વ’ યોજના શરૂ કરી હતી. ઉપરાંત ગામડાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને શહેરો તથા ગામડાઓ વચ્ચેનું અંતર દૂર કરવા ગ્રામ સ્વરાજ યોજના પણ શરૂ કરાઈ છે.
વડાપ્રધાને કહ્યું કે લૉકડાઉનમાં ગામડાઓએ દુનિયાને સંસ્કારોનું સારું શિક્ષણ આપ્યું છે. ગામડાઓમાંથી જે અપડેટ મળી રહ્યા છે તે મોટા-મોટા લોકોને પ્રેરણા આપે છે. હિન્દુસ્તાનના ગામડાઓએ દુનિયાને ખૂબ જ સરળ શબ્દોમાં ‘દો ગજ કી દૂરી’નો મંત્ર આપ્યો છે. વધુમાં કોરોના સમસ્યાએ આપણને સૌથી મોટો સંદેશ કે બોધપાઠ આપ્યો છે. આ બોધપાઠ છે આત્મનિર્ભર બનો. આત્મનિર્ભર બન્યા વિના આવી સમસ્યાનો ઉકેલ મેળવવો મુશ્કેલ છે. ગામ પોતાના સ્તર પર, જિલ્લા પોતાના સ્તર પર અને રાજ્ય પોતાના સ્તર પર તથા એ જ રીતે ભારત પોતાના સ્તર પર આત્મનિર્ભર બને.
પંચાયતી રાજના દિવસે ગામના સરપંચો અને ગ્રામ પ્રધાનો સાથે વાતચીત કરતાં વડાપ્રધાને ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. તેમણે રાજીવ ગાંધીના શબ્દોને યાદ કરતાં કહ્યું હતું, ‘ભૂતકાળમાં લોકો કહેતા કે કેન્દ્રમાંથી ૧ રૂપિયાની સહાય ગામડાઓ સુધી પહોંચતા ૧૫ પૈસા થઈ જાય છે. પરંતુ આજે કેન્દ્રમાંથી ૧ રૂપિયાની સહાયમાંથી ૧૦૦એ ૧૦૦ પૈસા લાભાર્થીઓના ખાતામાં પહોંચે છે.’

