અબડાસાનાં ભાજપનાં પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ભૂજથી દાદર જતી સયાજીનગરી એક્સપ્રેસમાં રાજકીય અદાવતમાં ગોળી મારી હત્યા કરી દેવાના ચકચારી કિસ્સામાં સ્પેશિયલ ઇન્વસ્ટિગેશન ટીમે મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ધરપકડ કરી છે.
જયંતી ભાનુશાળીની હત્યા કરવા માટે શૂટરોને ૩૦ લાખ રૂપિયાની સોપારી આપીને છબીલ પટેલ અમેરિકા ફરાર થઇ ગયા હતા. અમેરિકાથી છબીલ પટેલ એમીરેટ્સની ફ્લાઈટમાં અમદાવાદ આવ્યા હતા. થોડાક દિવસ પહેલા એસઆઇટીની ટીમે છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલની ધરપકડ કરી હતી. 7 જાન્યુઆરીના રોજ પુણેના બે શૂટરોએ ભૂજથી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં આવી રહેલા જયંતી ભાનુશાળીની પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરી હતી.
આ ચકચારી કેસમાં સ્પેશિયલ ઇન્વસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી અને એક પછી એક આરોપી તેમજ શાર્પશૂટરોની ધરપકડ કરવામાં આવી હતી. જયંતી ભાનુશાળીની હત્યા અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે કરાવી હોવાનું સામે આવ્યું હતું. જેમાં સ્પેશિયલ ઇન્વસ્ટિગેશન ટીમે મોડી રાત્રે છબીલ પટેલની ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.
એસઆઈટી છબીલ પટેલની ધરપકડ કરીને પશ્ચિમ રેલવે પોલીસની ઓફિસમાં લઈ ગયા હતાં. જયંતી ભાનુશાળીની હત્યાનું કાવતરું ઘડયા બાદ છબીલ પટેલ ૨ જાન્યુઆરીના રોજ વિદેશ ફરાર થઇ ગયા હતા. બાદમાં 7 જાન્યુઆરીનાં રોજ બે શૂટરોએ જયંતી ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. જયંતી ભાનુશાળીની હત્યા પાછળ છબીલ પટેલની ભૂમિકા છે કે કેમ તે અંગે એસઆઇટી પાસે પણ કોઈ પુરાવા ન હતાં.
જો કે જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમાં છબીલ પટેલના ભૂજના ફાર્મ હાઉસમાં બન્ને શૂટરો રોકાયા હોવાની માહિતી પોલીસને મળી હતી. બાદમાં શૂટરો અશરફ અનવર શેખ અને શશીકાંત કામલેની ધરપકડ થતાં છબીલે ભાનુશાળીની હત્યા માટે ૩૦ લાખ સોપારી આપી હોવાનું બહાર આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલના સૌથી મોટા રાજકીય દુશ્મન ગણાતા જયંતી ભાનુશાળીની હત્યા કરવાનું આયોજન કરી લીધું હતું.
છબીલ પટેલે હત્યા કરવા માટે પુનાનાં શશીકાંત કામલેને ૩૦ લાખ રૂપિયાની સોપારી આપી હતી જેમાં શશીકાંત કામલે જયંતી ભાનુશાળીની હત્યા કરવા તૈયાર થઈ ગયો હતો જયંતી ભાનુશાળીની હત્યા કરવા માટે શશીકાંત અને અશરફ પુણેથી ત્રણ વખત રેકી કરી હતી. પુણેથી બસમાં બેસીને શશીકાંત અને અશરફ અમદાવાદ આવતો હતો જ્યાં છબીલ પટેલ તેને કારમાં ભૂજ જતા હતાં.
ભાનુશાળીની હત્યા કેસમાં પકડાયેલા બે શાર્પશૂટર શશીકાંત કાંબલે, અશરફ શેખ, વિશાલ કાંબલે ઉપરાંત હત્યારાને ફાર્મહાઉસમાં રાખનાર છબીલ પટેલના ભાગીદાર રાહુલ પટેલ, નીતિન પટેલની અને સિદ્ધાર્થ પટેલની ધરપકડ કરવામાં આવી છે. હત્યા કેસમાં વોન્ટેડ છબીલ પટેલ ભાગેડુ હોવાની નોટિસ ભૂજ અને અમદાવાદના બંગલે ચિપકાવી હતી.
છબીલ પટેલને સરેન્ડર થવા સિવાયનો કોઇ રસ્તો નહીં મળતાં તે અમેરિકાથી અમદાવાદ પરત આવ્યો હતો. છબીલ પટેલ હાજર થવાના છે તેની જાણ એસઆઇટીની ટીમને થતાં તે તાત્કાલીક એરપોર્ટ પર પહોંચી ગઇ હતી. સ્પેશિયલ ઇન્વસ્ટિગેશન ટીમના વડા આશિષ ભાટિયાએ જણાવ્યું છે કે મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ છબીલ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતાં તેની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. મનીષાની સંડોવણી મામલે તેમની પૂછપરછ કરવામાં આવશે.

