નર્મદા : સરદાર ડેમની સૌ પ્રથમવાર 133.97 મીટરની ઐતિહાસિક સપાટી નોંધાઇ

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, ત્યારે ગત રોજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં આજે બપોરે નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 133.97 મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હતી.

મધ્યપ્રદેશ ઓમકારેશ્વર ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડાતા સતત પાણીની આવક વધતા નર્મદા ડેમના 23 ગેટને 2.5 મીટર ખોલી નર્મદા નદીમાં 5,52,290 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હતું. તો મંગળવારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ઐતહાસિક લેવલે પહોંચી જળ સપાટી 133.97 મીટરે પહોંચતા 23 દરવાજા 3.70 મીટર ખુલ્લા રાખી નર્મદા નદીમાં 5,52,290 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. ઉપરવાસમાંથી હજુ પણ 6,13,297 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

સરદાર સરોવરમાં પાણીનો લાઈવ સ્ટોરેજ 4335 મિલિયન ક્યુબીક મીટર છે. 1200 મેગાવોટનું રિવર બેડ પાવર હાઉસ 24 કલાક ચાલુ કરવામાં આવ્યું છે, જ્યારે 250 મેગાવોટના કેનાલ હેડ પાવર હાઉસના 3 યુનિટ ચાલુ છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવકને પગલે ડેમમાંથી 5,52,290 ક્યુસેક પાણી છોડાતા તેની સીધી અસર ભરૂચ નદી કાંઠા વિસ્તારના લોકોને થઈ છે. ભરૂચનો ગોલ્ડન બ્રિજ 24 ફૂટની ભયજનક સપાટી વટાવી 24.50 મીટરે પહોંચ્યો છે. નર્મદા નદીમાં છોડાતા પાણીને કારણે ભરૂચ ગોલ્ડન બ્રિજની સપાટી સતત વધી રહી છે. જેને પગલે નર્મદા નદી કાંઠાના 20 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. નર્મદા ગાંડીતુર બનતા ફરી કેવડિયા પાસે આવેલ ગોરા બ્રીઝ ડૂબ્યો છે. જેને કારણે 8 ગામોને અસર પહોંચી છે. ભરૂચ, નર્મદા અને વડોદરાના નદી કાંઠા વિસ્તારના 26 જેટલા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. બીજી તરફ નર્મદા નદીમાં મોટી માત્રમાં પાણી આવતા ગરુડેશ્વર પાસે બનાવેલ રિવર ડેમ પણ ઓવરફ્લો થયો છે. આ રિવર ડેમ ઓવર ફ્લો થતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા.