ચૂંટણી પહેલા આટકોટમાંથી ઝડપાયો 3.7 લાખનો દારૂ, એક આરોપીની ધરપકડ

ગુજરાત

 

લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે આટકોટમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબને મળેલ બાતમીના આધારે તેમની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં જસદણ તાલુકાના આટકોટ ગામેથી 1236 બોટલ દારૂ પકડાયો છે. ભારતીય બનાવટની વિદેશી વ્હિસ્કી બ્લુ મૂનની કુલ 16 પેટી અને પાર્ટી સ્પેશિયલ કુલ 103 પેટી મળીને કુલ 1236 નંગ બોટલ ઝડપાઈ છે. આટકોટ પોલીસે જણાવ્યા મુજબ આ દારૂની કુલ કિંમત 3,70,800 રૂપિયા થાય છે. વિરનગરના હનુભાઈ દિલીપભાઈ વાળાની આ મામલે ધરપકડ કરી લેવામાં આવી છે.

આટકોટ વિસ્તારમાં રાત્રે પેટ્રોલિંગ કરતી વખતે મળેલ હકીકતના આધારે આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા, પોલીસ સબ ઈન્સપેક્ટર એચ.એ. જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ રમેશ બોદર, પોલીસ કોન્સ્ટેબલ બાલકૃષ્ણ ત્રિવેદી સહિતની ટીમે આ કાર્યવાહી પાર પાડી હતી. આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ કાર્યવાહી આગળ ધપાવી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત ડ્રાય સ્ટેટ હોવા છતાં ગુજરાતમાં ગેરકાયદેસર દારૂનું સેવન સૌથી વધુ થાય છે. પ્રોહિબિશન એક્ટ વધુ કડક થયા બાદ આરોપીને 10 વર્ષ સુધીની સજા મળી શકે છે. અમદાવાદ અને રાજકોટમાં આવા પ્રકારના બનાવ અવારનવાર બનતા હોય છે.