ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રિયંકા ગાંધીના રાજકીય આગમન મામલે કટાક્ષ કર્યો છે. યોગીએ જણાવ્યું કે, ‘પ્રિયંકા ગાંધીનું રાજકીય મંચ પર આગમન થવાથી લોકસભામાં ભાજપના વોટમાં કોઈ ફરક નહીં પડે. આ ઉપરાંત યોગીએ સપા-બસપા ગઠબંધનને ‘હૌવા’ (વધુ પડતું ચગાવાયું) ગણાવીને ટીકા કરી હતી.
યોગી આદિત્યનાથે શનિવારે જણાવ્યું હતું કે પ્રિયંકા ગાંધી વાડરાની રાજકારણમાં એન્ટ્રીથી ચૂંટણીમાં ભાજપને કોઈ ફરક પડવાનો નથી. કોંગ્રેસે પ્રિયંકાને જનરલ સેક્રેટરી બનાવ્યા છે અને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે. જોકે તે પાર્ટીની આંતરિક બાબત હોવાનું યોગીએ જણાવ્યું હતું.
તેમણે પ્રિયંકા અંગે કહ્યું કે અગાઉ પણ તેઓ કોંગ્રેસનો પ્રચાર કરતા હતા તેમજ આ વખતે પણ તેમની હાજરીથી ખાસ કોઈ ફરક પડવાનો નથી.
યોગીએ સપા-બસપાને આડેહાથ લીધા હતા અને જણાવ્યું હતું કે, ‘ગઠબંધન ચૂંટણી પહેલા જ વિવાદમાં સપડાયું છે. આ ગઠબંધનને વધુ ચગાવાયું છે અને બીજું કંઈ જ નથી. ’