દેશને ચોકીદારની નહીં, ઇમાનદાર વડાપ્રધાનની જરૂર છે: ઓવૈસી

મુખ્ય સમાચાર રાજકીય

ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમિન (એઆઈએમઆઈએમ)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન મોદીના ‘મૈં ભી ચોકીદાર’ અભિયાન પર પ્રહાર કર્યો છે. પુલવામા, ઉરી અને પઠાણકોટ હુમલાઓનો ઉલ્લેખ કરતા ઓવૈસીએ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કરતા સવાલ કર્યો હતો કે તમે કેવી રીતે ચોકીદાર છો. જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસલમાં દેશના ‘ચોકીદાર’ હોય, તો અસિમાનંદને મુક્ત કરવા સામે સરકારને અપીલ કરવી જોઈએ.  તેમ કહીને તેમણે સમજૌતા બ્લાસ્ટ કેસમાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને ઉચ્ચ અદાલતમાં પડકારવાની માગણી કરી હતી.

 ઓવૈસીએ બુધવારે રાત્રે એક ચૂંટણી રેલીમાં કહ્યું કે તમે કયા પ્રકારનાં ચોકીદાર છો? મરનારાઓમાં (સમજૌતા એક્સપ્રેસ કેસ)માં 25 ભારતીય પણ હતા. બોમ્બ વિસ્ફોટ એક આતંકવાદી કૃત્ય છે. તમે કેવી રીતે ચોકીદાર છો? ‘ ઉલ્લેખનીય છે કે હરિયાણાના પંચકુલાની એક વિશેષ કોર્ટે બુધવારે સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટ કેસમાં અસીમાનંદ અને અન્ય ત્રણ આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા. 2007માં થયેલા સમજૌતા બ્લાસ્ટમાં 68 વ્યક્તિના મોત થયા હતા, જેમાં મોટાભાગના પાકિસ્તાની હતા.

ઓવૈસીએ કહ્યું કે જો મોદી ખરેખર ચોકીદાર હોય તો તેમણે તાત્કાલિક જાહેર કરવું જોઈએ કે સરકાર કોર્ટના ચુકાદા સામે અપીલ કરશે. ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલનારી ટ્રેનમાં ફેબ્રુઆરી 2007માં હરિયાણાના પાણીપત નજીક વિસ્ફોટ થયો હતો. તે સમયે ટ્રેન અમૃતસરથી અટારી તરફ જઈ રહી હતી, જે આ રુટમાં ભારતનું છેલ્લું સ્ટેશન છે.

વડાપ્રધાન પર પ્રહાર કરતા એઆઈએમઆઈએમ વડાએ જણાવ્યું હતું કે તમે અસીમાનંદથી શા માટે ડરી રહ્યા છો? આ પ્રેમ શા માટે? જાણવા મળ્યું છે કે અસીમાનંદ એક સમયે આરએસએસ સાથે સંકળાયેલો હતો.