અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા વણિકર ભવનના ‘માલિકી’ હકને મુદ્દે તાજેતરમાં વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને પ્રવીણ તોગડિયાના આંતરરષ્ટ્રીય હિંદુ પરિષદ (AHP) વચ્ચે ઘમાસાણ સર્જાયું હતું અને તેમાં મામલો થાળે પાડવા માટે પોલીસની મદદ લેવી પડી હતી. VHP દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે માલિકી ધરાવતા ટ્રસ્ટની પરવાનગી વિના AHPએ ડો. વણિકર સ્મારક ભવન પર ગેરકાયદે કબ્જો જમાવ્યો છે. બીજી તરફ AHPએ સામે એમ દલીલ કરી છે કે કોર્ટે તેમને ડો. વણિકર ભવનની ઓફિસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હોવા છતાં VHPના કાર્યકરોએ તેમને આ ઈમારતમાંથી તગેડી મૂકવાનો પ્રયાસ કર્યો હોત. પ્રવીણ તોગડિયાના કેટલાક સમર્થકો આ અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગયા તો પોલીસે ફરિયાદ લેવાનો ઇન્કાર કર્યો હતો અને તેમને કોર્ટમાં જવા માટે સલાહ આપી હતી. છેલ્લાં કેટલાક વર્ષોથી ડૉ.તોગડિયા અમદાવાદમાં હોય ત્યારે વણિકર ભવનમાં જ રહેતા હતા.

