ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે જનતા માત્ર એટલા માટે વોટ ન આપી દે કે કોઈને વડાપ્રધાન બનવાનો શોખ થયો હોય કે પીએમ બનવાની લ્હાયમાં ઉંમર વીતતી જતી હોય. ભાજપ અધ્યક્ષે વિપક્ષ પર નિશાન તાકીને કહ્યું હતું કે એક તરફ દેશનો વિકાસ કરનારા નરેન્દ્ર મોદી છે, જેમની સરકાર પર પાંચ વર્ષમાં ભ્રષ્ટાચારનો કોઈ આરોપ સુદ્ધાં લાગ્યો નથી તો બીજી તરફ મહાગઠબંધન અને મહામિલાવટ છે જે જાતિ-ધર્મવાળી સરકાર ઈચ્છે છે. સભાને સંબોધિત કરતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું, ‘આપણે દેશની સુરક્ષા માટે વડાપ્રધાનને ચૂંટવાના છે, આપણે એવા વડાપ્રધાન પસંદ કરવાના છે જેઓ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી શકે, એટલા માટે નહીં કે કોઈને પીએમ બનવાનો શોખ થયો હોય. એક તરફ મોદીજી છે તો બીજીતરફ મહાગઠબંધન અને મહામિલાવટ છે. તેમને કોઈ પૂછે કે જો તમે જીતશો તો પીએમ કોણ બનશે તો તેમની પાસે તેનો કોઈ જવાબ નહીં હોય.’
