એર ઈન્ડિયાએ વિવાદ પેદા થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીની ફોટો વાળા બોર્ડિંગ પાસ ‘પરત’ ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. એરલાઈન્સે પહેલાં કહ્યું હતું કે, ફોટો વાળા બોર્ડિંગ પાસ થર્ડ-પાર્ટીની જાહેરાતના સ્વરુપમાં છાપવામાં આવ્યા છે અને જો આ આદર્શ આચારસંહિતાનો ભંગ ગણાશે તો એને પરત ખેંચી લેવાશે. એર ઈન્ડિયાના પ્રવક્તા ધનંજય કુમારે કહ્યું કે, એર ઈન્ડિયાએ એ બોર્ડિંગ પાસને પરત લેવાનો નિર્ણય કર્યો છે, જેમાં વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીની તસવીર હતી. પંજાબના પૂર્વ ડીજીપી શશિકાંતે સોમવારે નવી દિલ્હી એરપોર્ટ પર પોતાના બોર્ડિંગ પાસની ફોટો ટ્વીટ કરીને સવાલ પૂછ્યો હતો કે બંને નેતાઓની ફોટો આના પર કેવી રીતે હોઈ શકે ?

