આજે બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ અને મુંબઈ ઈન્ડિયન આમને-સામને

ખેલ-જગત

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હાર સાથે નિરાશાજનક શરૃઆત કર્યા બાદ આવતીકાલે પ્રવાસી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ યજમાન બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ સામે ટકરાશે, ત્યારે બંને ટીમોની નજર જીતનું ખાતું ખોલાવવા તરફ રહેશે. રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની ટીમને પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. જ્યારે આઇપીએલની બારમી સિઝનના સૌપ્રથમ મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સની સુપરપાવર ટીમે કોહલીની આગેવાની હેઠળના બેંગ્લોરને પરાસ્ત કર્યું હતુ.

હવે બંને ટીમો પોઈન્ટ ટેબલમાં ખાતુ ખોલાવવા માટે ઉત્સુક છે. બેંગ્લોરની ટીમ હોમગ્રાઉન્ડ પર રમી રહી હોવાથી ભારે આત્મવિશ્વાસ સાથે ઉતરશે. જોકે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પણ બુમરાહે મેળવેલી ફિટનેસને કારણે ઉત્સાહિત છે અને આવતીકાલે તે મેદાનમાં ઉતરશે તે નક્કી મનાય છે.

બેંગ્લોરના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આવતીકાલે રાત્રે ૮.૦૦ વાગ્યાથી આ મેગા મુકાબલાનો પ્રારંભ થશે.

મુંબઈ અને બેંગ્લોરની ટીમને તેમની આઇપીએલની સૌપ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. આ પછી બંને ટીમોએ તેમની વ્યુહરચના અંગે ફેરવિચારણા હાથ ધરી હોવાનું મનાય છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માલિંગાના પુનરાગમનને કારણે વધુ મજબુત બની છે. આ ઉપરાંત સ્પિનર મયંક માર્કન્ડેયને પણ પ્લેઈંગ ઈલેવનમાં ફરી સ્થાન આપવામાં આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

બેંગ્લોરની ટીમ પણ શિવમ દુબેના સ્થાને પવન નેગી કે આકાશદીપ નાથને અજમાવી શકે છે. આ ઉપરાંત વોશિંગ્ટન સુંદર જેવા મેચ વિનર સાબિત થઈ શકે તેવા સ્પિનરને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે.