આગામી લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણની ગલીઓમાં અનેક અફવાઓ ફેલાઇ રહી છે. આવી જ એક અફવા શનિવારે ઉડી હતી જ્યારે ભારતના જાણીતા ક્રિકેટર સચિન તેંડુલકરની રાજનીતિના મેદાનમાં ઉતરવાની વાત થઈ. જો કે, આ મામલે આજરોજ તે અફવા સાબિત થઇ અને સામે આવ્યું કે, માસ્ટર બ્લાસ્ટર રાજનીતિમાં ઉતરવાનો કોઇ ઇરાદો રાખતા નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ, સચિન તેંડુલકરે શનિવારની વહેલી સવારે NCPના દિગ્ગજ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન શરદ પવારને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જો કે આ મુલાકાત રાજનૈતિક હતી કે પછી વ્યક્તિગત તે અંગે આજરોજ એક મોટો ખુલાસો થવા પામ્યો હતો.
પાર્ટીના સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ, પુલવામામાં હુમલા બાદ સચિને પાકિસ્તાન સાથે વિશ્વકપ મેચ રમવાનો પક્ષ લીધો હતો. જેને લઇને ભાજપના સમર્થકોએ તેમને ટ્રોલ કર્યા હતા. જો કે, આ સમયગાળા દરમિયાન નેશનલ કોંગ્રેસ પાર્ટીના વડા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન શરદ પવારે તેમનો બચાવ કર્યો હતો. જેના પગલે શિષ્ટાચારના ભાગરૂપે સચિન અને શરદ પવાર વચ્ચે મુલાકાત યોજાઇ હતી.