શ્વસનતંત્રને કાર્યક્ષમતા પ્રદાન કરે છે, ભસ્ત્રિકા પ્રાણાયામ

આરોગ્ય

અનેક પ્રકારના પ્રાણાયામ થતાં હોય છે, પરંતુ તેમાં પણ શ્વસનતંત્રને કાર્યક્ષમતા પ્રદાન કરે છે, ભસ્ત્રિકા પ્રાણાયામ. ભસ્ત્રિકા પ્રાણાયામ અંગે વધુ વિગતો મેળવીએ. ભસ્ત્રિકા એટલે ધમણ. કપાલભાતિમાં આપણે શ્વાસ ધીરેથી લઇને એકાએક છોડતા હતા. અહીં જલદીથી લઇને એકાએક શ્વાસ છોડવાનો છે. આમ ઝપાટાબંધ પરંતુ રીધમમાં એટલે તાલબદ્ધ શ્વાસ લેવાનો અને છોડવાનો, જેમાં ફેફસાં છેક નીચેથી ઉપર સુધી પૂરેપૂરી માત્રામાં ખુલે છે. આમ, ધમણની જેમ, જેવી રીતે હારમોનિયમની ધમણ હોય અથવા તો જૂના સમયમાં કલઇ કરવાવાળો અથવા તો લુહારની ભઠ્ઠી ઉપર હવા ઝીંકનારો જેમ ધમણ ચલાવતો તેમ આપણે ઝપાટાબંધ શ્વાસ લેવાનો અને છોડવાનો, તેને ભસ્ત્રિકા પ્રાણાયામ કહેવાય છે.

આ ભસ્ત્રિકા પ્રાણાયામ ખૂબ જ જલદ અને પ્રખર શક્તિ સાથે ઉષ્મા ઉત્પન્ન કરનાર છે. ફેફસાંની કાર્યક્ષમતામાં જબ્બર ક્ષમતા અને ઊર્જા વધારવા ઉપરાંત, છેક નાકથી આખીયે શ્વાસનળી અને ફેફસાંનાં ઊંડાણથી પણ વધારે ડાયાફ્રામ સુધીના શ્વસનતંત્ર સાથે સંકળાયેલા સમગ્ર તંત્રને નિરોગી, સબળ અને વિશિષ્ટ કાર્યક્ષમતા આપે છે. આ પ્રાણાયામનો અભ્યાસ જો અસ્થમા ખૂબ જ એક્યુટ અથવા તો ખૂબ જ વકરેલી અવસ્થામાં હોય તો ન જ કરી શકાય.

પરંતુ આરંભ હોય, મધ્યવર્તી હોય, રોગ ઉતરતી પાયરી ઉપર હોય ત્યારે ખૂબ જ સહાય કરે છે. આરંભમાં ૨૦થી ૪૦ શ્વાસ લેવા અને છોડવા. ક્રમશ: વધારીને એક સાથે ૧૫૦થી ૨૦૦ શ્વાસ પણ લઇ શકાય. ભસ્ત્રિકાના દરેક આવર્તન પછી જાલંધર બંધ અવશ્ય કરવો. જાલંધર બંધ એટલે ઊંડો શ્વાસ લઇને દાઢીને છાતીમાં લગાડી શ્વાસને અંદર રોકી રાખવો. તે પછી માથું ઊંચું કરીએ ત્યારે ધીરેધીરે શ્વાસ છોડવો.