આજે ભારતમાં 17મી લોકસભા માટેનું પ્રથમ તબક્કાનું મતદાન 18 રાજ્ય, બે કેન્દ્રશાસતિ પ્રદેશમાં 91 બેઠક પર મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. કેન્દ્રના છ પ્રધાનનું ભાવિ ઈવીએમમાં સીલ થયું હતું. વર્તમાન લોકસભામાં 91માંથી 32 બેઠક ભાજપ પાસે છે. જ્યારે કૉંગ્રેસ સાત બેઠક ધરાવે છે. આંધ્ર પ્રદેશ વિધાનસભાની 175, સિક્કીમની 32, અરુણાચલ પ્રદેશની 57 અને ઓડિશાની 28 બેઠક માટે મતદાન થયું હતું. આંધ્રપ્રદેશમાં લોકસભાની તમામ 25, તેલંગણામાં તમામ 17, ઉત્તરાખંડની તમામ પાંચ, મેઘાલયની બે, અરુણાચલ પ્રદેશની બે, મિઝોરમ, ત્રિપુરા, મણિપુર, નાગાલેન્ડ, સિક્કીમ, આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપની એક એક બેઠક પર મતદાન કરવામાં આવ્યું હતું.
ઉત્તર પ્રદેશમાં આઠ, મહારાષ્ટ્રમાં સાત, બિહારમાં છ, આસામમાં પાંચ, ઓડિશાની ચાર, જમ્મુ-કાશ્મીરની બે, પશ્ર્ચિમ બંગાળની બે અને છત્તીસગઢની એક બેઠક પર મતદાન કરવામાં આવ્યું હતું.
પ્રથમ તબક્કામાં દેશના 18 રાજ્યમાં કુલ 91 બેઠક માટે ગુરુવારે મતદાન કરવામાં આવ્યું હતું.
ગુરુવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્ર 55.97 ઉત્તર પ્રદેશમાં 64 ટકા, બિહારમાં 53.06 ટકા,ઓડિશા 66 ટકા, તેલંગણામાં 61 ટકા, સિક્કિમ 69 ટકા, મિઝોરમ 61.29 ટકા, મણીપુર 78.20, બસ્તર 57 ટકા, ત્રિપુરા 77.6 ટકા, આંધ્ર પ્રદેશ 73 ટકા, મેઘાલય 67 ટકા,લક્ષ્યદ્વીપ 65.9, નાગાલેન્ડમાં 78.76, આસામમાં 68 ટકા મતદાન થયું હતું.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી (નાગપુર), કિરેન રિજ્જુ (અરુણાચલ વેસ્ટ), વી. કે. સિંગ (ગાઝિયાબાદ), મહેશ શર્મા (ગૌતમ બુદ્ધ નગર), હંસરાજ આહીર (ચંદ્રપુર), સત્યપાલ સિંહ (બાગપત) બેઠક પર મતદાન થયું હતું.
લોકસભાની 543 બેઠક માટે મતદાન સાત તબક્કામાં થવાનું છે જેમાંથી પ્રથમ તબક્કાનું મતદાન આજે સંપન્ન થયું હતું. 23મીએ મતગણતરી કરવામાં આવશે.

