છત્તીસગઢમાં ચાલુ મતદાને વિસ્ફોટ

મુખ્ય સમાચાર રાજકીય

છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના બસ્તર લોકસભા મતદારસંઘમાં ગુરુવારે સવારે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે નક્સલવાદીઓએ ઈમ્પ્રુવાઈઝ્ડ ઍક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈડી)ની મદદથી વિસ્ફોટ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યાનુસાર સુરક્ષા

દળની ટુકડી ચૂંટણી અધિકારીઓને તેમના મતદાન મથકે લઈ જઈ રહી હતી ત્યારે નારાયણપુર-દંડવન રોડ પર ફારસગાંવ વિસ્તારમાં સવારે 4:15 વાગ્યે આ વિસ્ફોટ થયો હતો.

નક્સલવાદીઓએ જમીનની નીચે વિસ્ફોટકો ગોઠવી રાખ્યા હતા અને તેઓ સુરક્ષા દળના આવવાની રાહ જોઈ રહ્યા હતા.

જોકે સુરક્ષા દળે તેમનો માર્ગ બદલ્યો હોવાની તેમ જ તેઓ જંગલ માર્ગે જઈ રહ્યા હોવાની બળવાખોરોને જણ થતાં ગભરાટમાં તેમણે વિસ્ફોટ કર્યો હતો અને ત્યાંથી નાસી છૂટ્યા હતા, એમ તેમણે કહ્યું હતું.

વિસ્ફોટમાં સુરક્ષા અધિકારીઓ કે મતદાન અધિકારીઓને કોઈ હાનિ ન પહોંચી હોવાનું તેમણે કહ્યું હતું.

દાંતેવાડા, કોન્ટા, બીજાપુર અને નારાયણપુર એમ વિધાનસભાના ચાર મતદારક્ષેત્રના લોકસભા મતદારસંઘમાં ગુરુવારે સવારે 7:00થી બપોરે 3:00 સુધી ચાલેલા મતદાન માટે ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

રાજ્ય અને અર્ધલશ્કરી દળના અંદાજે 80000 અધિકારીઓને આ કામ માટે ગોઠવી દેવામાં આવ્યા હતા.

વિધાનસભાના અન્ય ચાર ક્ષેત્ર (બસ્તર, ચિત્રકોટ, કોન્ડાગાંવ અને જગદલપુર)માં મતદાનનો સમય સવારે 7:00થી સાંજે 5:00 વાગ્યા સુધીનો હતો.