કોંગ્રેસ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટે આપેલાં ચુકાદાનું સ્વાગત કરવામાં આવ્યું છે. કોંગ્રેસે કહ્યું કે, અમારી પાર્ટી હંમેશાં રાજકીય પક્ષોના ફંડિંગમાં પારદર્શિતાની સમર્થક રહી છે. કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ દિલ્હીમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ભારતીય જનતા પાર્ટી(ભાજપ) અને એમના ધનવાન સહયોગીઓ વચ્ચેના ગઠબંધનની પોલ ખુલ્લી પડી જશે. કેમ કે ભાજપ પાંચ વર્ષમાં દેશના વિકાસ માટે કશુંય કર્યું નથી, પરંતુ દિલ્હીમાં ખુદની પાર્ટી માટે ભવ્ય હેડ-ઓફિસ વિકસિત કરી દીધી છે.
કોંગ્રેસ પ્રવક્તા ચતુર્વેદીએ એમ પણ કહ્યું કે, ભાજપ વ્યવસ્થામાં પારદર્શિતાનું વચન આપીને કેન્દ્રમાં સત્તામાં આવી હતી. હવે ભાજપ પક્ષ બિલકુલ ઉલટ કામ કરી રહ્યો છે. એ રાઈટ ટુ ઈન્ફર્મેશન કાનૂન અને સેન્ટ્રલ વિઝિલન્સ કમિશનને કમજોર કરવાનું કામ કરવામાં લાગી ગયા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે હવે આ ચુકાદાથી આશા જાગી છે કે ભાજપના રાજકીય ફંડિંગનો પર્દાફાશ થશે. એનાથી ભાજપના ધનવાન સહયોગીઓની ખબર પડશે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં તમામ રાજકીય પાર્ટીઓને આદેશ આપ્યો છે કે એ ઈલેક્ટોરલ બોન્ડ થકી મળેલાં આર્થિક ફંડની જાણકારી ચૂંટણી પંચને આપે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેન્ચે પોતાના અંતરિમ આદેશમાં કહ્યું છે કે, આ માહિતી 31 મે સુધીમાં ચૂંટમી પંચને બંધ કવરમાં આપવામાં આવે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ચૂંટણી પારદર્શિતા માટે મહત્વનો માનવામાં આવે છે.

