વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજથી ૨ દિવસ ગુજરાતના પ્રવાસે

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

ગુજરાતમાં ભાજપને તમામ ૨૬ બેઠકો જીતાડવાના આયોજન સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજથી ૨ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જે દરમ્યાન તેઓ કાંટેકી ટકકર ગણાતી બેઠકો ઉપર ઝંઝાવાતી પ્રચાર કરી ભાજપ તરફ માહોલ ઉભો કરવા પ્રયાસ કરશે. આજે રાત્રી રોકાણ ગાંધીનગરમાં કરી પ્રદેશના નેતાઓ સાથે ચૂંટણી રણનીતી ઘડે તેવી શકયતા છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ હવે ગુજરાતની તમામ સીટો પર જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.  કોંગ્રેસની પકડ મજબૂત જણાતી લોકસભા સીટો પર ભાજપે પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદીની સભાઓનું આયોજન કર્યું છે. માટે પીએમ મોદી આજથી બે દિવસ સુધી ગુજરાતમાં જાહેર સ્થળોએ સભાઓ ગજવી ભાજપના ઉમેદવારો માટે મતદાન કરવા માટે લોકોને અપીલ કરશે.

કોંગ્રેસની મજબૂતી વાળી બેઠકો પર પીએમ મોદીની સભાઓ ગોઠવવામાં આવી છે. કોંગ્રેસ આણંદ અને સુરેન્દ્રનગર બેઠક જીતવા માટે આશ્વાસ્ત છે ત્યારે પીએમની સભાઓ ત્યાં થઇ રહી છે. જયારે બીજા દિવસે એટલે કે ૧૮મીએ સવારે પીએમ મોદી અમરેલી ખાતે જનસભાને સંબોધન કરશે. જયાં કોંગ્રેસ તરફથી નેતા વિપક્ષ પરેશ ધાનાણી મેદાનમાં છે . ગઇકાલે જ પરેશ ધાનાણીના સમર્થનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જંગી સભા સંબોધી હતી. ત્યારે પીએમની આ મુલાકાતથી સૌરાષ્ટ્રમાં ચૂંટણીપ્રચાર રસપ્રદ બનશે. પીએમ મોદી  રાત્રીરોકાણ ગાંધીનગર રાજભવન ખાતે કરશે. ત્યારે મહત્વનું છે, કે ૨૩મી એપ્રિલે પીએમ મોદી સવારે અમદાવાદ આવશે. અને તેમના મતદાનનો ઉપયોગ કરીને સવારે ૭.૩૦ કલાકે રાણીપની નિશાન વિદ્યાલયમાં મતદાન કરશે. અને વહેલી સવારે મતદાન કરીને લોકોને ભારે મતદાન કરવા માટે પ્રેરિત કરશે.