શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલામાં 300 કરતા વધારે લોકો જીવ ગુમાવી ચુક્યા છે.500 થી વધારે લોકો ઘાયલ થયા છે.
ભારતે શ્રીલંકાને આતંકવાદી હુમલા અંગે ત્રણ વખત ચેતવણી આપી હતી.એક ઈન્ટેલિજન્સ અધિકારીએ નામ નહી આપવાની શરતે કહ્યુ હતુ કે, પહેલી વોર્નિંગ 4 એપ્રિલે આપવામાં આવી હતી.ભારતની ઈન્ટેલિજન્સ એજન્સીઓએ ઈસ્લામિક સ્ટેટના કોઈમ્બતુર મોડ્યુલની ચકાસણી કરી હતી.તે દરમિયાન શ્રીલંકામાં બોમ્બ વિસ્ફોટ માટે જવાબદાર અને ભારતમાં પણ સક્રિય નેશનલ તોહિદ જમાતના આગેવાન મૌલવી જહરાન બિન હાશિમના વિડિયોની પણ ચકાસણી કરવામાં આવી હતી.
અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે પહેલી ચેતવણીમાં શ્રીલંકાને કહેવાયુ હતુ કે, ભારતની એમ્બેસીને નિશાન બનાવાઈ શકાય છે.બીજી ચેતવણી હુમલાના એક દિવસ પહેલા શનિવારે અપાઈ હતી.જે પહેલી ચેતવણી કરતા વધારે ચોક્કસ હતી અને તેમાં સંભવિત ટાર્ગેટ અંગે પણ જાણકારી અપાઈ હતી.
ત્રીજી અને અંતિમ ચેતવણી હુમલાના કેટલાક કલાકો પહેલા આપવામાં આવી હતી.એક અધિકારીએ કહ્યુ હતુ કે , આ ચેતવણી ટેકનિકલ સાધનો અને બાતમીદારો દ્વારા મળેલી માહિતીના એનાલિસીસ બાદ અપાઈ હતી.
શ્રીલંકાના પીએમ પણ સ્વીકારી ચુક્યા છે કે, ભારતે હુમલા અંગે ચેતવણી આપી હતી.

