કરન જોહરની ફિલ્મથી ડેબ્યૂ કરશે શ્રીદેવીની નાની દીકરી ખુશી, પિતા બોની કપૂર જાતે હિરો પસંદ કરશે

ફિલ્મ જગત

જાહન્વી કપૂર બાદ હવે તેની નાની બહેન ખુશી કપૂર પણ બોલિવૂડ ડેબ્યૂ કરવાની છે. ખુશી કપૂરે જ આ વાતની માહિતી આપી હતી. જાહન્વી તથા ખુશી બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયાના સેલિબ્રિટી ટોક શો ‘BFF’s વિથ વોગ’ પર આવ્યા હતાં. અહીંયા તેમણે અંગત જીવનને લઈને પણ વાત કરી હતી. આ સાથે જ ખુશીએ બોલિવૂડ ડેબ્યૂ અંગે પણ જણાવ્યું હતું. ખુશીએ કહ્યું હતું, ”હું જલ્દીથી બોલિવૂડમાં ડેબ્યૂ કરીશ. પહેલી ફિલ્મ કરન જોહર સાથે કરવા માંગું છું. જોકે, મને ખ્યાલ છે કે મારી ફિલ્મનો હિરો મારા પિતા જ પસંદ કરશે. કારણ કે તે મને લઈ ઘણાં જ પ્રોટેક્ટિવ છે.”

ઘરમાં કર્ફ્યૂ જેવો માહોલઃ
નેહાના શોમાં ખુશીએ પિતા સાથેના સંબંધો અંગે વાત કરી હતી. ખુશીએ કહ્યું હતું, ”હું મારા ઘરમાં સૌથી નાની છું. આથી પાપા મને લઈ ઘણાં જ પ્રોટેક્ટિવ છે. મારા માટે ઘરમાં કર્ફ્યૂ જેવો માહોલ હોય છે. હુ ક્યાં છું? કોની સાથે છું? ક્યાં સુધી બહાર રહેવાની છું? આ તમામ માહિતી મારા પિતા અચૂકથી રાખે છે. એકવાર હું મારા મિત્ર સાથે બહાર હતી તો પાપાએ મારા તે મિત્રને મેસેજ કરીને અમારો ફોટો માંગ્યો હતો.”

સારા વ્યક્તિ સાથે રહું તેવી પિતાની ઈચ્છાઃ
ખુશીએ કહ્યું હતું, ”મારા પિતા હંમેશા એ વાતને લઈ ચિંતામાં હોય છે કે હું કોની સાથે છું. જો હું કોઈ સારી વ્યક્તિ સાથે હોઉં તો તેમને કોઈ વાંધો નથી. પિતા હમેશા ધ્યાન રાખે છે કે હું કોઈ સારા વ્યક્તિની સાથે હોઉં. આ જ કારણ છે કે મારી ફિલ્મમાં હિરો તેઓ જાતે જ શોધશે.”

શ્રીદેવીને નહોતો પસંદ ખુશીનો ટેટુ લવઃ
શોમાં ખુશી કપૂરે પોતાના ટેટુ લવ પર કહ્યું હતું, ”મારા બૉડી પર ત્રણ ટેટુ છે. એક ટેટુમાં ફેમિલીના બર્થડે રોમન લેટરમાં લખેલા છે. બીજા ટેટુમાં બેસ્ટ ફ્રેન્ડનું નામ લખ્યું છે. ત્રીજું ટેટુ હિપ્સ પર બનાવ્યું છે. આ ટેટુમાં લખ્યું છે, ‘ખુદ કી રાહ બનાઓ.” વધુમાં ખુશીએ કહ્યું હતું કે તેની સ્વ. માતા શ્રીદેવી તથા બહેન જાહન્વીને તેનો ટેટુ પ્રત્યેનો પ્રેમ બિલકુલ પસંદ નથી. જાહન્વી માને છે કે ટેટુ માટે તેની બહેન ખુશી હજી નાની છે. તો જાહન્વીએ કહ્યું હતું કે તે ભવિષ્યમાં તેના પિતાને એક ટેટુ બનાવવાનું કહેશે. જેના પર લખ્યું હતું, ”Property of JK”