અમેરિકન કંપની પેપ્સિકોએ ગુજરાતમાં બટાકાની ખેતી કરતા ખેડૂતો પર બિયારણના કૉપીરાઇટ ભંગનો કેસ કર્યો છે. કંપનીનું કહેવું છે કે લૅયઝ ચિપ્સમાં વપરાતાં બટાકાના બિયારણની વેરાઇટી કંપનીએ રજિસ્ટર કરાવેલી છે. કંપનીના કહેવા પ્રમાણે તેમની પરવાનગી વિના કોઈ ખેડૂત આ વેરાઇટીના બટાકાની ખેતી કરી શકે નહીં. આથી જે ખેડૂતોએ પરવાનગી વિના આ બિયારણના બટાકાની ખેતી કરી છે તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવ્યાં છે. ખેડૂતો પરના આ કેસને લઈને હવે ખેડૂત સંગઠનો અને સામાજિક કાર્યકરોએ પણ પેપ્સિકો વિરુદ્ધ મોરચો માંડ્યો છે અને કંપનીએ કરેલા કેસ પરત ખેંચવાની માગણી કરી છે.
ખેડૂત સંગઠનોનું કહેવું છે કે પેપ્સિકોએ ખેડૂતો પર કરેલા કેસ ખોટા છે.
190થી વધારે કાર્યકરોએ એક પત્ર લખીને કેન્દ્ર સરકારને કહ્યું છે કે સરકાર આંતરરાષ્ટ્રીય કંપની પેપ્સિકોને આ ખોટા કેસ પરત ખેંચી લેવા માટે કહે.

