ગુજરાત માટે હવે આકરા ગરમીના દિવસોની શરૂઆત થઈ ગઈ છે. ૨૨ એપ્રિલથી ગુજરાતમાં આગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે ગુજરાતના મોટા ભાગનાં શહેરનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચી ગયો છે. આ વચ્ચે હવામાન ખાતાએ હિટવેવની આગાહી કરી છે.
ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાયો છે, જેને પગલે રાજ્યમાં ૨૬ થી ૨૮ એપ્રિલ દરમ્યાન હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલીમાં ગરમ પવન ફુંકાશે. અમદાવાદમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે અને ૨૬ એપ્રિલ માટે અમદાવાદમાં રેડ ઍલર્ટ જાહેર કરાયું છે ત્યારે આ આવનારા દિવસોમાં તાપમાન ૪૩થી ૪૪ સેલ્શિયસ ડિગ્રી પર પહોંચવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.
શહેરના તમામ અર્બન સેન્ટર પર ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી છે. બગીચાઓ રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રખાશે અને પીવાનાં પાણીની વ્યવસ્થા કરાશે. તમામ આંગણવાડીમાં ઓઆરએસ પેકેટ પહોંચાડવામાં આવશે. એસ્ટેટ વિભાગ દ્વારા કન્સ્ટ્રક્શન સાઈટો પર પીવાનાં પાણીની વ્યવસ્થા ઊભી કરાશે. હિટસ્ટ્રોકના દરદીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે આઈસ પેકની વ્યવસ્થા કરવામાં આવી છે. એએમટીએસના તમામ બસ ડેપોમાં પીવાનાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના તમામ બીઆરટીએસના બસ સ્ટેન્ડ પર ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવશે. શહેરમાં છ મોબાઈલ પાણીની પરબ પણ ચાલુ કરવામાં આવી છે.

