ગુજરાતના અનેક વિસ્તારો હાલ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતનાં કેટલાંક ગામો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની તંગી છે. બીજી તરફ રાજ્યના મુખ્ય મંત્રી અને ઉપમુખ્ય મંત્રી લોકોને પૂરતું પાણી મળી રહેશે એવું આશ્વાસન આપી રહ્યા છે. મે મહિનો માંડ શરૂ થયો છે ત્યાં તો સૌરાષ્ટ્ર, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાનાં ગામોમાં બેડાં માથે ઊંચકીને બંજર વિસ્તારોમાં પાણી શોધતી મહિલાઓનાં ટોળાં દેખાવાં લાગ્યાં છે.
સરહદને અડીને આવેલાં બનાસકાંઠાનાં ગામોમાં સ્થિતિ બદથી બદતર છે. ગુજરાતમાં દુષ્કાળ સમી સ્થિતિ મે મહિનાના જ પ્રારંભે સર્જાઈ ગઈ છે. કચ્છના બન્ની વિસ્તારમાંથી લોકો પોતાનાં ઢોરઢાંખર સાથે હિજરત કરી રહ્યા છે. ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ કહી ચૂક્યા છે કે ઓછા વરસાદના કારણે ગુજરાતના મોટા ભાગના ડૅમોમાં પાણીનો જથ્થો નહિવત્ છે.
જોકે, રાજ્યના મુખ્ય મંત્રી અને ઉપમુખ્ય મંત્રી કહી ચૂક્યા છે કે 31 જુલાઈ સુધી રાજ્યમાં પીવાની પાણીની અછત નહીં સર્જાય.