જાહેરાતથી વિપરીત પરિપત્ર થતાં ઉદ્યોગો સરકારથી નારાજ

ગુજરાત

ગુજરાત ઔદ્યોગિક વસાહતમાં એક લાખ ચોરસ મીટર વિસ્તારમાં ઔદ્યોગિક એકમો નાખવા આગળ આવેલા ઉદ્યોગોને ઉત્પાદન શરૃ કરવા માટે પ્લોટ ફાળવાયા પછી ૪ વર્ષનો સમય ગાળો આપવાની જાહેરત મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ૧૨મી ડિસેમ્બરે કરી તો ખરી, પરંતુ તે અંગેના પરિપત્રમાં માત્ર નવા સ્થપાનારા ઉદ્યોગોને જ આ નવી જોગવાઈનો લાભ આપવાનો નિર્ણય કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે. આ વિવાદમાં સપડાયેલી જીઆઈડીસીમાં દહેજ, સાયખા, હાલોલ, સાણંદનો સમાવેશ થાય છે. આ ઔદ્યોગિક વસાહતોમાંના ૫૦૦થી વધુ ઔદ્યોગિક સાહસિકો પ્લોટ છોડીને નીકળી ગયા છે. બીજા ૨૦૦૦થી વધુ પ્લોટ માલિકો મંદીના માહોલને કારણે તેમના પ્રોજેક્ટ અમલ કરી શકે તેમ નથી. ગુજરાતની જીઆઈડીસીમાં પ્લોટ ખરીદનારા ૭૦૦૦થી વધુ સાહસિકો આ સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે તેમ છતાંય જીઆઈડીસીના મોભીઓ પોતાના અંગત સ્વાર્થ ખાતર ઉદ્યોગોની હાલાકી વધારવાની એક પણ તક ચૂકતા નથી. ગુજરાતની તમામ ૧૮૨ ઔદ્યોગિક વસાહતોની સમસ્યાઓનો ઉકેલ લાવી દેવાના ઇરાદા સાથે ગત ૧૨મી ડિસેમ્બર ૨૦૧૮ના મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ૧૨ જાહેરાતો કરી હતી. આ જાહેરાતો પ્રમાણેની જોગવાઈ સરકારી પરિપત્રમાં ન આવતા ઉદ્યોગોમાં રોષની લાગણી ફેલાઈ હોવાનું સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશને જણાવ્યું છે.