વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત આજે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાવા જઈ રહેલી મૅચથી કરશે. બન્ને ટીમોએ ઇંગ્લૅન્ડમાં જોરદાર તૈયારી કરી છે અને આજની મૅચ આખા વિશ્વ કપનો માહોલ બદલી દેશે કેમ કે એના પર તમામની નજર લાગેલી છે.
આ મૅચ પહેલાં જે રીતે બે ધમાકેદાર મૅચ થઈ છે, તેનાથી લાગી રહ્યું છે કે વર્લ્ડ કપનો ઉત્સાહ પહેલા અઠવાડિયામાં જ ચરમસીમાએ પહોંચવાનો છે. 2003માં અહીં પ્રથમ મૅચ દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વૅ વચ્ચે રમાઈ હતી. અત્યાર સુધી અહીં 23 મૅચ રમાઈ ચૂકી છે અને જેમાં જે ટીમે પ્રથમ બૅટિંગ પસંદ કરી તે ટીમ 12 મૅચ જીતી ચૂકી છે. 10 મૅચ બૉલિંગ પસંદ કરનાર ટીમ જીતી છે. જાણકારો માને છે તે જે ટીમ ટૉસ જીતીને બૅટિંગનો નિર્ણય કરશે તે ટીમ જીતશે.
ભારત તેની પ્રથમ મૅચ જીતી ધમાકેદાર શરૂઆત કરવા માગે છે પણ ઇતિહાસ કંઈક અલગ જ કહે છે. 2015ના વિશ્વ કપ સિવાયની વાત કરીએ તો ભારતની શરૂઆત ક્યારેય સારી નથી રહી. વર્ષ 2003માં ભારત ફાઇનલમાં પહોંચ્યું હતું પરંતુ તેની શરૂઆત સારી નહોતી. દક્ષિણ આફ્રિકા ભલે તેની બે મૅચ હારી ચૂક્યું હોય પરંતુ આ મેદાન પર એમનો દેખાવ ભારત કરતાં સારો રહ્યો છે. આ મેદાનમાં દક્ષિણ આફ્રિકા અને ભારત ત્રણ-ત્રણ મૅચ રમ્યાં છે અને દક્ષિણ આફ્રિકાએ એમાંથી બે મૅચ જીતેલી છે. એક મૅચ દક્ષિણ આફ્રિકા ઇંગ્લૅન્ડ સામે બે રનથી હારી ગયું હતું. ભારતની વાત કરીએ તો ભારત બે મૅચ ઇંગ્લૅન્ડ સામે ખરાબ રીતે હારેલું છે અને એક મૅચ કૅન્યા સામે જીત્યું હતું.

