MLA ભાઈ બહેનને જાહેરમાં લાત મારે અને બહેન રાખડી બાંધી માફ કરે -શું સરકારે માફ કરી દેવા જોઈએ?

ગુજરાત

અમદાવાદની નરોડા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી ધોળા દિવસે ભર બજારમાં એક સ્ત્રીને આક્રમક રીતે લાતો વડે માર મારે છે એનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી એન.સી.પી.ના કુબેરનગર(અમદાવાદ)વોર્ડના વડા નેતા નીતુ તેજવાણીને ક્રૂરતાપૂર્વક મારતા દેખાય છે.

નીતુ તેજવાણી અને બહેનો તેમનાં વિસ્તારમાં પાણીની સમસ્યા મુદ્દે ધારાસભ્યની ઓફિસ સામે રવિવારે સવારે દેખાવો કરી રહ્યાં હતાં. કુબેરનગર વિસ્તારમાં છેલ્લા આઠ દિવસ દરમિયાન 15થી 20 નાની ફેકટરીઓનું પાણીનું જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું. આને લીધે ફેક્ટરીનું તો કામ અટકી જ રહ્યું હતું પણ એનો ભોગ તેમાં કામ કરનાર 50થી 60 મજૂરો બન્યાં હતાં, કેમ કે પીવાનાં પાણી માટે તેઓ આના પર જ આશ્રિત હતાં. આટલી વિકરાળ ગરમીમાં જ્યારે સરકાર વધારે પ્રવાહી લેવાની સલાહ આપે છે, ત્યારે પાણીનું કનેક્શન કાપી દેવાતાં આ મજૂરો પર મોટી આફત આવી પડી હતી.

શરૂઆતમાં નીતુ તેજવાણીએ જણાવ્યું હતું કે તેઓ બલરામ થાવાણી અને તેમના ભાઈ કિશોર થાવાણીને માફ નહીં કરે તેમ છતાં તેમને બલરામ થવાણીની માફી સ્વીકારી લીધી અને એમને ભાઈમાની રાખડી બાંધી સમાધાન કરી લીધું છે. ગુજરાતના અખબારોએ સમાજના દબાણને લીધે અથવા તો અમુક લાખમાં સમાધાન થયું હોવાનું જણાવ્યું. બંધ બારણે થયેલી બેઠકમાં સમાધાન કેવી રીતે થયું એ તો કોણ કહી શકે એટલે સ્વાભાવિક જ એ બધી ધારણાઓ ગણાય.

પરંતુ આ ધારણાઓ સિવાય અંતિમ સત્ય એ કે એક સ્ત્રીએ એક નહીં પણ બે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના હાથે સરાજાહેર માર ખાધો, ગાળો ખાધી, અપમાન વેઠ્યું અને આખરે શરણાગતિ સ્વીકારી પોતાના પર હુમલો કરનારને જ હાથે રાખડી બાંધી સમાધાન કર્યું.