કેરળમાં મોદીએ કહ્યું, જેમણે અમને જીતાડ્યા નથી તે પણ અમારા જ છે, મારા માટે કેરળ અને વારાણસી એક સમાન

મુખ્ય સમાચાર રાજકીય

લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતિથી વિજય નોંધાવ્યા બાદ કેરળ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગુરુવાયુરને પુણ્યભૂમિ ગણાવી હતી. તેમણે કહ્યું છે કે કેરળ તેમના માટે વારાણસી જેવું જ છે. વડાપ્રધાને ગુરૂવાયુર ખાતે કૃષ્ણ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને બાદમાં અભિનંદન સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે જે અમને જીતાડે છે તે પણ અમારા છે અને જે અમને આ વખતે જીતાડવામાં ચૂકી ગયા તે પણ અમારા જ છે. અમે રાજકારણમાં ફક્ત સરકાર બનાવવા માટે નથી આવ્યા પરંતુ અમે દેશ બનાવવા આવ્યા છીએ.

વડાપ્રધાને લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે કેરળવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. મોદીએ કહ્યું હતું કે જનતા-જનાર્દન ઈશ્વરનું રૂપ છે અને આ ચૂંટણીમાં દેશે તેને જોઈ લીધું છે. રાજકિય પક્ષો પ્રજાનું મન પારખી શક્યા નહીં પરંતુ પ્રજાએ ભાજપ અને એનડીએના પક્ષમાં પ્રચંડ જનાદેશ આપ્યો છે. હું જનતાને નમન કરૂ છું.

વડાપ્રધાને કહ્યું હતું કે ઘણા રાજકિય પંડિતોના મનમાં વિચાર આવતો હશે કે કેરળમાં ભાજપનું ખાતું પણ ખુલ્યું નથી તેમ છતાં મોદી લોકોનો આભાર માનવા પહોંચી ગયા છે. મોદી શું વિચારે છે? તે પ્રશ્ન લોકોના મનમાં થતો હશે. પરંતુ આ અમારા સંસ્કાર છે, અમારી વિચારધાર છે અને અમે એવું માનીએ છીએ કે લોકશાહીમાં ચૂંટણી તેના સ્થાને છે પરંતુ ચૂંટણી બાદ જીતીને આવેલા લોકોની જવાબદારી 130 કરોડ દેશવાસીઓની સેવા કરવાની છે. જે અમને જીતાડે છે તે અમારા છે અને જે જીતાડવાથી ચૂકી ગયા છે તે પણ અમારા જ છે. મારા માટે કેરળ પણ વારાણસી જેવું જ છે.

જનતા અમને જનપ્રતિનિધી પાંચ વર્ષ માટે બનાવે છે પરંતુ અમે જનસેવક છીએ અને આજીવન જનસેવક હોઈએ છીએ. અમે જનતાને સમર્પિત હોઈએ છીએ. લોકોએ લોકસભાની ચૂંટણીમાં નકારાત્મકતાને ફગાવી દીધી છે, તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.