મે મહિનામાં રીટેલ ફુગાવો વધીને ૩.૦૫ ટકા નોંધવામાં આવ્યો છે જે સાત મહિનાની સર્વોચ્ચ સપાટી છે. જો કે ફુગાવો વધ્યો હોવા છતાં તે આરબીઆઇના નિર્ધારિત લક્ષ્યાંક કરતા ઓછો છે. ઉલ્લેખનીય છે કે મે મહિનામાં શાકભાજી, માંસ અને માછલીના ભાવમાં મોટા પાયે વધારો નોંધાયો છે.
કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ(સીપીઆઇ) આધારે ગણવામાં આવતો રીટેલ ફુગાવો એપ્રિલમાં ૨.૯૯ ટકા હતો. સ્ટેટિસ્ટિસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પલિમેન્ટેશન મંત્રાલયની સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ મે, ૨૦૧૮માં રિટેલ ફુગાવો ૪.૮૭ ટકા હતો.
આ અગાઉ ઓક્ટોબર, ૨૦૧૮માં રિટેલ ફુગાવો ૩.૩૮ ટકા હતો. મે મહિનામાં શાકભાજીના ભાવમાં ૫.૪૬ ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. જે એપ્રિલ, ૨૦૧૯માં ૨.૮૭ ટકા હતો. બીજી તરફ ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડકશન(આઇઆઇપી)ને આધારે ગણવામાં આવતા ઔદ્યોગિક ઉત્પાદનમાં એપ્રિલ મહિનામાં વધારો જોવા મળ્યો છે. એપ્રિલમાં ઔદ્યોગિક ઉત્પાદન વધીને ૩.૪ ટકા થયો છે. જે ૬ મહિનાની સર્વોચ્ચ સપાટી છે.

