ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન તૂટી પડયું હતું તે પછી તેનો કાટમાળ મળી આવ્યો હતો. આખરે તેમાં સવાર તમામ મુસાફરોના મૃતદેહ પણ મળી આવ્યા હોવાની જાહેરાત ભારતીય વાયુસેનાએ કરી હતી. તેમાં સાત અધિકારી અને ૭ એરમેનનો સમાવેશ થાય છે.
અકસ્માતગ્રસ્ત AN-32 વિમાનમાં સવાર તમામ ૧૩ મુસાફરોના મૃતદેહ સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવ્યાની જાહેરાત વાયુસેનાએ કરી હતી. તેમના મૃતદેહોને હેલિકોપ્ટરની મદદથી અરૂણાચલના પાટનગર ઈટાનગરમાં લઈ આવવામાં આવશે અને તે પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે.
ભોગ બનેલા પરિવારોને મૃતદેહો મળ્યાની જાણ કરવામાં આવી હતી. વિમાનનું બ્લેકબોર્ડ પણ વિમાન જ્યાં તૂટી પડયું હતું ત્યાંથી મળી આવ્યું છે. ગત ૩જી જૂને ગુમ થયેલા વિમાનની ભાળ મેળવવા માટે તુરંત સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, પરંતુ દિવસો સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. વિમાન આસામના જોરહાટથી અરૂણાચલના મેચુકા જઈ રહ્યું હતું. મેચુકા પહોંચે તે પહેલાં જ વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો. તે પછી વિમાનની ભાળ મેળવવા ઓપરેશન શરૂ કરાયું હતું.
દુર્ગમ વિસ્તારમાં વિમાનનો કાટમાળ મળી આવ્યો તે પછી વધુ સર્ચ ઓપરેશન શરૂ થયું હતું. આખરે ૧૫ સભ્યોની ટીમને ૧૨૦૦૦ ફૂટની ઊંચાઈએ મૃતદેહો જોવા મળ્યા હતા. એરફોર્સના કહેવા પ્રમાણે ૧૩માંથી ૬ અધિકારી દરજ્જાનો રેન્ક ધરાવતા હતા અને બાકીના ૭ લોકો એરમેન હતા. વાયુસેનાના પ્રવક્તાએ તમામ અધિકારીઓ અને જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને પીડિત પરિવારોને શોકસંદેશો પણ આપ્યો હતો.