આઇસીસી વર્લ્ડકપમાં રવિવારે માન્ચેસ્ટર ખાતે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે છે. શનિવારે ભારતના કપ્તાન વિરાટ કોહલીએ કહ્યું કે, જો અમે સારું રમીશું તો કોઈ પણ ટીમને હરાવી શકીએ છીએ. અમારી સામે કઈ ટીમ છે તેનાથી કોઈ ફર્ક પડતો નથી. ખેલાડીઓ માટે એ મહત્ત્વનું છે કે તેમણે પ્રોફેશનલ રહેવું જોઈએ. બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ કપ્તાન ઈન્ઝમામ ઉલ હકે કહ્યું કે, આ મેચ ફાઇનલ પહેલાંની ફાઇનલ છે.
વિરાટે પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે, ‘ અમારે માટે કોઈ એક મેચ વધારે ખાસ હોતી નથી. ટીમની જવાબદારી છે કે દરેક મેચમાં જવાબદારી સાથે જીતવા તમામ પ્રયત્ન કરે. ક્રિકેટમાં બેઝિક્સ હંમેશાં રહેશે. અમારું ફોકસ બેઝિક્સ પર જ રહેશે. જો 11 ખેલાડી મળીને રમીએ તો કોઈ પણ ટીમને હરાવી શકીએ છીએ. અમે રમતને રમતની જેમ જ રમીશું. મારી સામે કોઈ પણ બોલર હોઈ, મને ખાલી વ્હાઇટ અને રેડ બોલ દેખાઈ છે. સારા બોલર્સને સમ્માન આપવું જરૂરી છે, પરંતુ તે સાથે જ પોતાના પર ભરોસો હોવો જોઈએ કે હું કોઈ પણ બોલર સામે રન બનાવવા સક્ષમ છું.
ભારત-પાકની મેચ ફાઇનલ પહેલાંની ફાઇનલ: ઈન્ઝમામ
પાકિસ્તાનના મુખ્ય સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે કહ્યું કે, આ મેચ ફાઇનલ પહેલાંની ફાઇનલ છે. બંને દેશના દર્શકોમાં હંમેશાં ઉત્સાહ હોય છે. સ્ટેડિયમની ક્ષમતા 24 હજાર છે, પરંતુ મેચ માટે 8 લાખ લોકોએ અરજી કરી હતી. તેનાથી ખ્યાલ આવે છે કે રવિવારની મેચ કેટલી મોટી છે. પાકિસ્તાને વર્લ્ડકપમાં ભારતને ક્યારેય હરાવ્યું નથી, પરંતુ આ વખતે ટીમે ઘણી મહેનત કરી છે. વિરાટ કોહલી મહાન ક્રિકેટર છે અને ભારતીય ટીમ પણ ઘણી મજબૂત છે.
ભારતીયોએ માન્ચેસ્ટરનો વેધર રિપોર્ટ સર્ચ કર્યો
એક્યૂવેધર ડોટ કોમ અનુસાર, રવિવારે માન્ચેસ્ટરમાં વરસાદની 63% સંભાવના છે. આખા દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. આ વર્લ્ડકપમાં 19માંથી 4 મેચ વરસાદના લીધે રદ થઇ છે. 13 જૂને ભારત-ન્યૂઝીલેન્ડની મેચ વરસાદના લીધે રદ થઇ હતી. એક્યૂવેધર અનુસાર, માન્ચેસ્ટરમાં હળવા વરસાદની સંભાવના છે.