પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી હડતાળ પર ઉતરેલા ડોક્ટરોને મનાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. મમતાએ ડોક્ટરોની માગ મુજબ તેમની સાથે બેઠક યોજી હતી. જે દરમિયાન ડોક્ટરોએ જે પણ માગણીઓ મુકી તેને સ્વીકારી લીધી હોવાનું મમતાએ આ બેઠક બાદ કહ્યું હતું. મમતાએ જણાવ્યું હતું કે મે ડોક્ટરોની સાથે વાતચીત કરી લીધી છે, તેઓ તાત્કાલીક કામ પર પરત ફરશે. આ સાથે જ રાજ્યમાં જે ૧૪ મેડિકલ કોલેજો છે તેની પણ મમતા મુલાકાત લેશે. ડોક્ટરોએ પણ રાત્રે હડતાળ પરત લઇ લીધી હોવાની જાહેરાત કરી દીધી હતી. મમતાએ જણાવ્યું હતું કે દરેક મેડિકલ કોલેજમાં બે બે પ્રતિનિધિની સાથે બેઠક યોજીશ. એનઆરએસ મેડિકલ કોલેજમાં ડોક્ટરોની સાથે દર્દીઓ દ્વારા મારપીટની ઘટના બાદ અન્ય ડોક્ટરોમાં રોષ વધી ગયો હતો અને હડતાળ પર ઉતરી ગયા હતા. જોકે મમતાએ આખરે ડોક્ટરોને મનાવી લીધા હતા, સોમવારે દિવસ દરમિયાન બેઠકોનો દોર ચાલ્યો હતો જ્યારે રાત્રે ડોક્ટરોએ જાહેરાત કરી હતી કે અમે હડતાળ સમેટી રહ્યા છીએ. જેને પગલે ડોક્ટરો રાબેતા મુજબ પોતાના દૈનિક કામ પર પરત ફર્યા હતા. મમતા બેનરજીએ ત્રણ દિવસથી ડોક્ટરોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ શનિવારે પણ એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે અમે ડોક્ટરોની જે પણ માગણી છે તેનો સ્વીકાર કરીએ છીએ. સોમવારે પણ મમતાએ ડોક્ટરોની સાથે બેઠક યોજી હતી, જે બાદ જે હોસ્પિટલમાં ડોક્ટરો સાથે મારપીટની કથીત ઘટના બની હતી ત્યાંના આશરે ૩૧ જેટલા પ્રિતિનિધિ ડોક્ટરોએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે અમે અમારી હડતાળ પરત લઇએ છીએ. આ નિર્ણય ત્યારે સામે આવ્યો હતો જ્યારે મમતાએ ડોક્ટરોની માગણીઓને કોઇ પણ પ્રકારની શરત વગર જ સ્વીકારી લીધી હતી. હડતાળ પર ઉતરેલા ડોક્ટરોનું એક પ્રતિનિધિ મંડળ મમતાને મળવા માટે ગયું હતું, જે દરમિયાન મમતાએ માગોને સ્વીકારી લેતા અંતે એક સપ્તાહ સુધી ચાલેલી આ હડતાળનો અંત આવ્યો હતો.

