મુઝફ્ફરપુરમાં ઍક્યૂટ ઇનસેફિલાઇટિસ સિન્ડ્રોમ (એઇસ)ના કારણે મૃત્યુ પામેલાં બાળકોનો આંકડો 108 પર પહોંચી ગયો છે. આ વચ્ચે શહેરની શાન અને ‘ફળોની રાણી’ તરીકે ઓળખાતી લીચી વિવાદોનું કેન્દ્ર બની ગઈ છે. ચિકિત્સા વિશેષજ્ઞોની સાથે સાથે બિહાર સરકારના મંત્રીઓ સુધી દરેક વ્યક્તિએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું છે કે બાળકોનાં મૃત્યુ પાછળ તેમનું લીચી ખાવું પણ એક કારણ હોઈ શકે છે. લીચીના બીજમાં મેથાઈલીન પ્રોપાઇડ ગ્લાઈસીન (એમસીપીજી)ની સંભવિત હાજરીને ‘પહેલાંથી જ ઓછું ગ્લૂકોઝનું સ્તર ધરાવતા’ કુપોષિત બાળકોનાં મૃત્યુ માટે જવાબદાર માનવામાં આવી રહી છે. જોકે, આ મુદ્દે ચિકિત્સા વિશેષજ્ઞોના મત અલગઅલગ છે અને દરેક વખતે તેઓ એ પણ જોડી દે છે કે આ મામલે અત્યારે કંઈ ચોક્કસપણે કહી શકાય એમ નથી. અત્યાર સુધી થયેલા સંશોધન પ્રમાણે લીચીને બાળકોનાં મૃત્યુ પાછળ જવાબદાર કારણોમાંથી માત્ર એક સંભવિત કારણ માનવામાં આવી છે.

