સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાત મુખ્ય સમાચાર

રાજ્યના હવામાન વિભાગે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને 3 જુલાઈ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સત્તાવાર ચોમાસાના આગમન સાથે તંત્ર એલર્ટ થઇ ગયું છે. ગુજરાતમાં ફરીથી સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીના પગલે પ્રિ-પોઝીશનિંગ અંતર્ગત NDRFની 15 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

NDRFની ક્યાં કેટલી ટીમ તૈનાત
જ્યારે વડોદરા હેડક્વાર્ટર ખાતે 7 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, આગામી 48 કલાક દરમિયાન વલસાડ, સુરત,ભાવનગર,પાલનપુરમાં પણ 1-1 ટીમ તૈનાત રહેશે, જ્યારે રાજકોટ અને ગાંધીનગરમાં NDRFની 2-2 ટીમ તૈનાત રાખવામાં આવી છે. આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી શકે
ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવ વિસ્તારમાં સારો વરસાદ પડશે.

અંકલેશ્વરથી લઈ અમરેલી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ
28 જૂનના રોજ અંકલેશ્વર પથંકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સિવાય ગીર ગઢડા અને અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં એકથી ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.