મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોંડલમાં વિકાસના નવા કામોનું લોકાર્પણ કરતા કહ્યું કે, ગુજરાતના શહેરોને આધુનિક સુવિધાની સાથે સાંસ્કૃતિક નગરો બનાવવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ગામડાઓમાં શહેરો જેવી સુવિધા અને શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની સમતોલ વિકાસનીતિ રાજ્ય સરકારે અપનાવી છે. તેમણે રાજ્યની નગરપાલિકાઓની ટિમને જન ભાગીદારીથી વિકાસ બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી આવા કામોના આયોજનની પ્રેરણા આપતા કહ્યું કે, રાજ્ય સરકાર આ હેતુસર નગર પાલિકાઓને મદદ કરશે. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રને પાણીદાર બનાવવાની રાજ્ય સરકારની દ્રઢ ઇચ્છાશક્તિ અને મળી રહેલા ફળદાયી પરિણામોની સ્પષ્ટ રૂપરેખા આપી હતી.
ગુજરાતને પાણીના દુકાળથી મુક્ત કરવાનુ અને વરસાદના એક એક ટીપાની બચત કરી જળ સંગ્રહ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દેશમાં જળ સંરક્ષણ માટે જન આંદોલન કરવાના સેવેલા સંકલ્પમાં ગુજરાત આગેવાની લઇ રહ્યું છે અને હજુ બે વર્ષ સુધી જળ સંગ્રહ અભિયાન જનભાગીદારી સાથે ચલાવાશે.

