બાંગ્લાદેશ સામે જીતવા છતાં પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર

ખેલ-જગત

સરફરાઝ અહેમદની પાકિસ્તાની ટીમ સાવ અશક્ય કહેવાય તેવી સ્થિતિ વચ્ચે શુક્રવારે બાંગ્લાદેશ સામે રમી હતી.

લંચ સમયે તો તે સત્તાવાર રીતે આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ હતી.

પાકિસ્તાનને 300થી વધુના માર્જીનથી જીતવાનું હતું પરંતુ તેણે 315 રનનો સ્કોર નોંધાવ્યો તે સાથે જ તેના ભાવિનો ફેંસલો થઈ ગયો હતો.

આમ ન્યૂઝીલૅન્ડે સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો જ્યાં તેનો મુકાબલો ભારત અથવા ઑસ્ટ્રેલિયા સામે થઈ શકે છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાને અશક્ય ટાર્ગેટ મળ્યો હતો

પાકિસ્તાનને સેમિફાઇનલમાં પ્રવેશવા માટે બાંગ્લાદેશને માત્ર છ રનમાં આઉટ કરવાનું હતું જે સાવ અશક્ય હતું.

બાંગ્લાદેશે બીજી ઓવરમાં જ સાત રન કરી દેતાં પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું.

વર્તમાન ટુર્નામેન્ટમાં પાકિસ્તાનના કંગાળ દેખાવ અને શુક્રવારે જે પરિસ્થિતિ ઉદ્ભવી તે માટે પ્રથમ મૅચમાં વેસ્ટ ઇન્ડીઝ સામેનો તેનો કારમો પરાજય વધુ જવાબદાર હતો.

જ્યારે પાકિસ્તાન માત્ર 21.4 ઓવરમાં 105 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને વેસ્ટ ઇન્ડિઝે 13.4 ઓવરમાં ટાર્ગેટ વટાવી દીધો હતો.

આ મૅચની નેટ રનરેટે પાકિસ્તાનને છેક સુધી પરેશાન કર્યું હતું અને છેલ્લે તો તેણે 300થી વધુના માર્જીનથી મૅચ જીતવાની નોબત આવી ગઈ હતી.

મૅચ જીતવા માટે 316 રનના લક્ષ્‍યાંક સામે રમતી બાંગ્લાદેશી ટીમ માટે સાકીબ હસન ફરીથી સર્વોચ્ચ સ્કોરર બની રહ્યો હતો. તેણે આ ઇનિંગ્સ સાથે વર્તમાન ટુર્નામેન્ટમાં 600 રન પૂરા કર્યા હતા.

આમ કરનારો તે અત્યાર સુધીનો પ્રથમ બૅટ્સમૅન છે. સાકીબે 77 બૉલમાં 64 રન ફટકાર્યા હતા. બાકીની મૅચ ઔપચારિક રહી હતી. બૉલિંગમાં શાહિન આફ્રિદીએ છ વિકેટ ઝડપી હતી

જોકે પાકિસ્તાને અહીં રમાયેલી અંતિમ લીગ મૅચમાં બાંગ્લાદેશ સામે 94 રનથી વિજય હાંસલ કરવામાં સફળતા મેળવી હતી.

ઓપનર ઇમામ ઉલ હકે સદી ફટકારી હતી તો બાબર આઝમે તેનું ફૉર્મ જાળવી રાખીને 96 રન ફટકાર્યા હતા.

બૉલિંગમાં શાહિન આફ્રિદીએ છ વિકેટ ઝડપી હતી તો બાંગ્લાદેશ માટે મુસ્તાફિઝુર રહેમાને પાંચ વિકેટ ખેરવીને વર્તમાન વર્લ્ડ કપમાં પોતાની વિકેટનો આંક 20 ઉપર પહોંચાડીને બીજું સ્થાન હાંસલ કર્યું હતું.

લોર્ડ્ઝ ખાતે રમાયેલી મૅચમાં ટોસ જીતીને પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 50 ઓવરને અંતે નવ વિકેટે 315 રન નોંધાવ્યા હતા.

જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમે 44.1 ઓવરમાં 221 રન નોંધાવ્યા હતા.