છ વરસ બાદ નવાઝુદ્દીન સિદ્દીકી અને ઇરફાન ખાન રૂપેરી પડદે સાથે કામ કરશે

ફિલ્મ જગત

ઇરફાન ખાન હાલ ‘અંગ્રેજી મીડિયમ’નું શૂટિંગ કરી રહ્યો છે. તેને અન્ય એક વધુ પ્રોજેક્ટની ઓફર થઇ છે. દિગ્દર્શક હની ત્રેહાન ઇરફાનને આગામી ફિલ્મમાં લેવા માટે મન કરી રહ્યો છે. એટલું જ નહીં રસપ્રદ તો એ છે કે,આ જ ફિલ્મ માટે દિગ્દર્શક નવાઝુદ્દીનને પણ લેવા માંગે છે.

આ પહેલા ઇરફાન અને નવાઝુદ્દીન ‘લંચ બોક્સ’ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. હવે છેક છ-સાત વરસ બાદ આ અભિનેતાઓ ફરી સાથે કામ કરે તેવી શક્યતા છે. સૂત્રની વાત સાચી માનીએ તો હની દિગ્દર્શન ક્ષેત્રમાં ડેબ્યુ કરીરહ્યો છે. અને તે ઇરફાન ખાન અને દીપિકા પદુકોણને લીડ રોલમાં લેવા ઇચ્છે છે. જોકે આ જોડી સાથે કામ કરવાની તેને તક ન મળતા, હનીએ દીપિકા સાથેની ફિલ્મ માંડી વાળી અને ક્રાઇમ થ્રિલર ફિલ્મ પર કામ કરવાનું શરૂ કર્યું. આ માટે તેણે નવાઝુદ્દીનનો સંપર્ક કર્યો છે.

આ પ્રોજેક્ટમાં બે અભિનેતાઓની જરૂર હોવાથી હનીએ ઇરફાનને પણ લેવાનું મન થયું છે. આ બન્ને અભિનેતાઓને સ્ક્રિપ્ટ પસંદ પડી હોવાનું કહેવાય છે. જોકે આ ફિલ્મની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.