કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ દરમિયાન ભૂકંપ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કુમારસ્વામી સરકારના 31 મંત્રીઓએ ટપોટપ રાજીનામા સોંપી દીધા છે. કોંગ્રેસના 21, જેડીએસના નવ અને અપક્ષના એક મંત્રીએ રાજીનામું આપવાથી કુમારસ્વામી સરકાર પર ચિંતાના ઘેરા વાદળો છવાઈ ગયા છે. જોકે, તેમ છતા કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ જે પ્રકારે નિવેદન આપ્યું છે તે જોતા લાગે કે આટલા રાજીનામા બાદ પણ તેમના પેટનું પાણી ન હલ્યું હોય.
મુખ્યમંત્રી કુમારસ્વામીએ હજી પણ કહી રહ્યા છે કે આ રાજકીય સંકટથી સરકારને કોઈ જ ભય નથી અને તેઓ મંત્રીઓ સાથે બેઠક કરીને આ સમસ્યાનું ટૂંક જ સમયમાં નિરાકરણ લાવી દેશે. રવિવારે એક જ સાથે 13 ધારાસભ્યોએ રાજ્યપાલ વજુભાઈ વાળાને પોતાના રાજીનામા સોંપ્યા હતા. ત્યારબાદ સોમવારે એક અપક્ષ અને કોંગ્રેસના આઠ મંત્રીઓએ રાજીનામા આપ્યા હતા અને હવે સાંજ પડતા પડતા જેડીએસના પણ નવ મંત્રીઓએ પાર્ટીને રાજીનામા સોંપી દીધા છે.
કર્ણાટકમાં રાજકીય ભૂકંપ સર્જાયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અહીં રાજકીય સમીકરણો ક્ષણે-ક્ષણ બદલાઈ રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી સહિત કોંગ્રેસના 21 મંત્રીઓએ પોતાના મંત્રી પદેથી રાજીનામાં આપી દીધા છે. આ અગાઉ સોમવારે જ રાજ્યના મંત્રી તેમજ અપક્ષના ધારાસભ્ય એચ નાગેશે પોતાના પદ પરથી રાજીનામું આપતાની સાથે સાથે કોંગ્રેસ-જેડીએસ સરકાર પાસેથી પોતાનું સમર્થન પરત ખેંચવાની જાહેરાત પણ કરી હતી.
નાગેશનો તાજેતરમાં જ લઘુ ઉદ્યોગ મંત્રી સ્વરૂપે મંત્રિમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમણે સોમવારે રાજ્યપાલ વજુભાઈ વાળાને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. આ ઘટનાક્રમ બાદ હવે કર્ણાટક સરકારનો સાથ છોડનારા ધારાસભ્યોની સંખ્યા 14 થઈ ગઈ છે. જેના કારણે સરકાર લઘુમતીમાં આવતી જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં 13 ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષને પોતાના રાજીનામાં સોંપી ચૂક્યા છે.
જો આ તમામના રાજીનામાને સ્વિકારી લેવામાં આવશે તો વિધાનસભામાં કોંગ્રેસ-જેડીએસ સત્તારૂઢ ગઠબંધન પાસે ધારાસભ્યોની કુલ સંખ્યા 104 થઈ જશે. જ્યારે મુખ્ય વિપક્ષ ભાજપ પાસે વિધાનસભામાં કુલ 105 સભ્યો છે. તેથી સ્વાભાવિક છે કે આ બદલતા સમીકરણોને કારણે ભાજપ અહીં પોતાની સરકાર બનાવવાની કોશિશ જરૂર કરશે.