દેશનું સામાન્ય બજેટ રજૂ થવાની સાથે ભારતીય વાયુસેના હવે લાંબા સમયથી પેન્ડિંગ રહેલા બે મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટને અંતિમ રૂપ આપવામાં લાગી ગઇ છે. રૂપિયા દોઢ લાખ કરોડના આ પ્રોજેક્ટ અંતર્ગત ભારતીય વાયુસેનાને 170 નવા એરક્રાફ્ટ મળવાના છે. ટાટા-એરબસના કંસોર્ટિયમ અંતર્ગત ચાલુ વર્ષે 56 મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાને મળી શકે છે.. જો કે બાકીના 114 ફાઇટર જેટ આગામી કેટલાક વર્ષોમાં વાયુસેનામાં સામેલ થશે. સૂત્રો મુજબ સપ્ટેમ્બરમાં ફ્રાંસની સાથે 59 હજાર કરોડ રૂપિયાના કરાર અંતર્ગત પહેલી સપ્લાઇમાં વાયુસેના 4 રફાલ વિમાન પ્રાપ્ત કરશે.
આ સાથે જ વાયુસેના 114 ફાઇટર જેટ્સના પ્રોજેક્ટની રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ માટે પણ પ્રયાસ કરી રહી છે. જે 2019ના અંત અથવા 2020ના શરૂઆતી તબક્કામાં ઇસ્યુ થઇ શકે છે. સૂત્રો મુજબ 114 ફાઇટર જેટ્સનો પ્રોજેક્ટ મહત્વપૂર્ણ છે કારણ કે 36 રફાલ વિમાન અને સ્વદેશી તેજસ મારફતે ભારતીય વાયુસેનાની જરૂરિયાતને પૂર્ણ કરી શકાય તેમ નથી. જેથી ભવિષ્ય માટે તૈયારી કરવાની જરૂરિયાત છે. ફ્રાંસ તરફથી 36 રફાલ યુદ્ધ વિમાન ભારતને સપ્ટેમ્બર, 2019થી એપ્રિલ, 2022 દરમિયાન મળશે. જેમાં પ્રથમ ચાર વિમાનને અંબાલાના એરબેઝ ખાતે તૈનાત કરાશે.

