ગુજકેટના ફોર્મની મુદ્દત લંબાવાઈઃ JEE ફોર્મ 7 માર્ચ સુધી ભરાશે

ગુજરાત શૈક્ષણિક

ધો.૧૨ સાયન્સ પછીના ઈજનેરી-ફાર્મસી પ્રવેશ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ગુજકેટ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત લંબાવવામા આવી છે. ગુજકેટની મુદ્દત પુરી થતી હતી જે વધારીને ૧૬મી સુધીની કરવામા આવી છે.જ્યારે ઓલ ઈન્ડિયા લેવલની નેશનલ એક્ઝામ એવી જેઈઈ મેઈનની બીજા તબક્કાની પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાનું આજથી શરૃ થઈ ગયુ છે અને જે ૭ માર્ચ સુધી ભરાશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ૨૩મી એપ્રિલે રાજ્યભરમાં ગુજકેટ લેવામા આવનાર છે.જે માટે અગાઉ શિક્ષણ બોર્ડ દ્વારા ૮મી ફેબુ્રઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત આપવામા આવી હતી.શનિ-રવિની રજાને લઈને વિદ્યાર્થીઓને ફોર્મ ફી ચુકવણીમાં મુશ્કેલી ન થાય તેમજ અગાઉ કેટલાક દિવસ માટે ઓનલાઈન સર્વરમાં ટેકનિકલ ખામીને લીધે ફોર્મ ન ભરાતા હોવાની વિદ્યાર્થીઓને ફરિયાદને પગલે બોર્ડે મુદ્દત વધારીને ૧૬મી કરી છે. જ્યારે ઓલ ઈન્ડિયા લેવલે લેવાતી જેઈઈ મેઈન પરીક્ષા માં પ્રથમવારની જેઈઈ મેઈન નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાન્યુઆરીમા લેવાયા બાદ હવે એપ્રિલમાં ૭મીથી ૨૦મી સુધી બીજી વારની જેઈઈ મેઈન લેવામા આવનાર છે. જે માટે ૮મી માર્ચથી ફોર્મ ભરાવાનુ શરૃ થયુ છે અને જે ૭મી માર્ચ સુધી ચાલશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરવામા આવ્યુ છે કે પ્રથમવારની અને બીજી વારની એમ બંને વારની જેઈઈ મેઈન પરીક્ષાના સ્કોરને ધ્યાને લઈને મેરિટ લિસ્ટ અને રેન્ક તૈયાર કરવામા આવશે.જેથી અગાઉ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હોય કે ન આપી હોય તેમ છતાં બીજીવારની પરીક્ષા વિદ્યાર્થી આપી શકશે.