દેશભરમાં વિવાદિત બનેલા નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં પ્રદર્શનમાં હિંસાની ઘટના બની છે.
સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ પોલીસ પર પથ્થરમારાની ઘટના બની છે અને તેને પગલે ટિયરગેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ ઘટનામાં એક પોલીસકર્મી અને એક મીડિયાકર્મી ઇજાગ્રસ્ત થયાં હોવાનો અહેવાલ છે.
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે રાજ્યની શાંતિ ડહોળાઈ નહીં તે માટે પોલીસ પ્રયાસ કરી રહી છે.
આ ઘટનાને પગલે શાહઆલમથી ચંડોળા તરફ જનારી એએમટીએસ બસોના રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
પોલીસ હિંસા કરનારની શોધખોળ કરી રહી છે.
આ દરમિયાન વડગામના ધારાસભ્ય જિગ્રેશ મેવાણીની શિવરંજની ચાર રસ્તા પાસેથી પોલીસે અટકાયત કરી છે.
આ દરમિયાન દેશભરમાં વિરોધ પ્રદર્શનને લઈને ગૃહ મંત્રાલયે તાકીદની બેઠક બોલાવી છે.

