ઓસ્ટ્રેલિયાને હરાવી ઇંગ્લેન્ડ ફાઇનલમાં, આ વખતે નવો ચેમ્પિયન મળશે

ખેલ-જગત મુખ્ય સમાચાર

જેસન રોયની આક્રમક બેટિંગ અને અગાઉ ક્રિસ વોક્સ તથા આદિલ રશીદની વેધક બોલિંગની મદદથી ઇંગ્લેન્ડે વર્તમાન વર્લ્ડ કપમાં પોતાની આગેકૂચ જારી રાખીને ગુરુવારે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું. આમ કપ જીતવા માટે ફેવરિટ બે ટીમ ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઇનલ અગાઉ બહાર થઈ ગયા છે. ઇંગ્લેન્ડે આઠ વિકેટે ભવ્ય વિજય હાંસલ કરીને ફાઇનલમાં પ્રવેશ કરી લેતાં આ વખતે ક્રિકેટજગતને નવો જ ચેમ્પિયન મળશે. રવિવારે લોર્ડ્ઝ ખાતે રમાનારી ફાઇનલમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. ઇંગ્લેન્ડ ચોથી વાર વર્લ્ડ કપની ફાઇનલમાં રમશે પરંતુ હજી સુધી તે ક્યારેય ફાઇનલ જીતી શક્યું નથી.

ગુરુવારે અહીં રમાયેલી બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડે બેટિંગ અને બોલિંગ બંને પાસામાં સત્તાવાહી રમતનું પ્રદર્શન કર્યું હતું. તેણે ધારદાર બોલિંગ દ્વારા ઓસ્ટ્રેલિયાને માત્ર 223 રનના સ્કોરે અટકાવી દીધું હતું અને ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ ક્લાસ બોલિંગને સાવ સામાન્ય બનાવી દેતાં 32.1 ઓવરમાં જ બે વિકેટના ભોગે ટારગેટ વટાવી દીધો હતો.

આ વર્લ્ડ કપમાં એકાદ મેચને બાદ કરતાં તમામ મેચમાં ઇંગ્લેન્ડે ભવ્ય દેખાવ કર્યો હતો. જેનું આ મેચમાં પણ તેણે પુનરાવર્તન કર્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જેને ખોટો પુરવાર કરીને અંગ્રેજ બોલર્સે વેધક બોલિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ એક તબક્કે 14 રનમાં ત્રણ મોખરાની વિકેટ ગુમાવી દીધી હતી જેમાં સુકાની એરોન ફિંચ ઉપરાંત આ ટુર્નામેન્ટમાં 547 રન ફટકારનારા ડેવિડ વોર્નરનો પણ સમાવેશ થતો હતો. સ્ટિવ સ્મિથે લડાયક બેટિંગ કરીને 85 રન ફટકાર્યા હતા જ્યારે મેદાન પર જ ગંભીર રીતે ઘાયલ થયો હોવા છતાં એલેક્સ કેરી 46 રન નોંધાવી શક્યો હતો.

મેચ જીતવા માટે 224 રનના સામાન્ય ટારગેટ સામે રમતાં ઇંગ્લેન્ડ માટે જેસન રોયે ઝંઝાવાતી બેટિંગ કરીને 65 બોલમાં 85 રન ફટકાર્યા હતા જેમાં પાંચ સિક્સરનો સમાવેશ થતો હતો. બેરસ્ટો સાથે તેણે પહેલી વિકેટ માટે 17 ઓવરમાં 124 રન ઉમેરીને ટીમનો વિજય નિશ્ચિત કરી દીધો હતો.