અમે બે ત્રણ દિવસમાં જ કર્ણાટકમાં સરકાર બનાવવા જઇ રહ્યા છીએ : ભાજપનો દાવો

મુખ્ય સમાચાર રાજકીય

કર્ણાટકમાં હજુ પણ રાજકીય સંકટ યથાવત છે, કોંગ્રેસ અને જેડીએસ બન્ને આ સંકટમાંથી સરકારને બહાર કાઢવાના અને નારાજ ધારાસભ્યોને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. જોકે તેમ છતા કોઇ જ સફળતા હજુસુધી આ બન્ને પક્ષોને મળી શકી નથી. જે એક ધારાસભ્ય કોંગ્રેસમાં પરત આવવા માગતા હતા તેઓએ પણ અંતે હવે મન બદલી નાખ્યું છે. બીજી તરફ હવે વિપક્ષ ભાજપ સરકાર બનાવવાની તૈયારીમાં લાગી ગયુ છે. યેદિયુરપ્પાએ તો દાવો કર્યો છે કે આગામી ત્રણ ચાર દિવસમાં કર્ણાટકમાં સેવા કરવાનો ભાજપને મોકો મળશે કેમ કે અમારી સરકાર બનવા જઇ રહી છે. જે પણ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેઓએ સ્પષ્ટ કહી દીધુ છે કે તેઓ હવે પક્ષમાં પરત આવવા નથી માગતા તેથી આ સરકાર લઘુમતીમાં આવી ગઇ છે. બીજી તરફ જે બળવાખોર ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેઓ હાલ મુંબઇમાં છે અને હવે તેમાં વધુ એક રાજીનામુ આપનારા ધારાસભ્ય એમટીબી નાગારાજનો પણ સમાવેશ થઇ ગયો છે. નાગારાજ પણ મુંબઇમાં બળવાખોર ધારાસભ્યોને મળવા પહોંચી ગયા છે. બીજી તરફ કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ બેંગાલુરુમાં કોંગ્રેસના ધારાસભ્યોની સાથે બેઠક યોજી હતી અને હવે ભવિષ્યમાં શું પગલા લેવા તે અંગે ચર્ચા કરી હતી. બીજી તરફ કોંગ્રેસ હજુ પણ બળવાખોર ધારાસભ્યોને વિનંતી કરી રહી છે કે તેઓ રાજીનામાને પરત લઇ લે જોકે એક પણ ધારાસભ્ય માનવા તૈયાર નથી, અત્યાર સુધીમાં કુલ ૧૬ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. તેથી હવે ભાજપ સરકાર બનાવવાની તૈયારીમાં લાગી ગયુ છે, યેદિયુરપ્પાએ તો દાવો કરી દીધો છે કે આગામી ત્રણ ચાર દિવસમાં કર્ણાટકમાં ભાજપની સરકાર હશે અને અમને રાજ્યની જનતાની સેવા કરવાની તક મળશે.