અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો વિવાદ જગાવતા રહે છે. વધુ એક વાર એવો જ વિવાદ ખડો થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે નામ લીધા વગર ચાર મહિલા સાંસદો વિશે અપમાનજનક ટીપ્પણી કરી હતી. ટ્રમ્પે એ મહિલા સાંસદોને પોતાના મૂળ દેશમાં જતા રહેવાની સલાહ આપી હતી.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિરોધ પક્ષ ડેમોક્રેટિક પાર્ટીના ચાર મહિલા સાંસદોના નામ લીધા વગર અપમાનજનક ટીપ્પણી કરી હતી. ટ્વીટરમાં ટ્રમ્પે કહ્યું હતું કે પ્રોગ્રેસિવ મહિલા સાંસદોએ મહાન અમેરિકાની ચિંતા કરવા કરતા એ જ્યાંથી અહીં આવી છે ત્યાં જઈને તેમના દેશની સેવા કરવી જોઈએ અને એ દેશમાં ચાલ્યા જવું જોઈએ.
એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે ટ્રમ્પનો ઈશારો પ્રથમ વખત સાંસદ બનનારી મહિલાઓ – એલેક્ઝેન્ડ્રિયા ઓકાસિયો-કૉર્તેજ, ઈલ્હાન ઉમર, રશીદા તલૈબ અને અનાયા પ્રેસ્લેના સંદર્ભમાં હતી. આ મહિલા સાંસદોએ ટ્રમ્પની સરકારની નીતિ બાબતે વિરોધ ઉઠાવ્યો હતો. તેના કારણે ટ્રમ્પે આવી ટીપ્પણી કરી હતી.
ટ્રમ્પે કહ્યું હતું કે જો મહાન અમેરિકામાં તેમને ખરેખર કંઈ તકલીફ જ હોય તો હવે તેમણે તેમના દેશમાં પાછા જવું જોઈએ અને પોતાના ભ્રષ્ટ દેશોની સરકારની મદદ કરવી જોઈએ. એ દેશોમાં ગુનાખોરી ઓછી થાય તે માટે મદદ કરવી જોઈએ.
ટ્રમ્પે કોઈનું નામ લખ્યું ન હતું, પરંતુ આ નિવેદન પછી ભારે વિરોધ ઉઠયો હતો. ડેમોક્રેટિક સાંસદોએ ટ્રમ્પની ટીપ્પણીને જાતિવાદી ગણાવી હતી અને આ ટીપ્પણી દેશ માટે શરમજનક હોવાનું કહ્યું હતું. વાઈસ સ્પીકર બેન રે લુજેને કહ્યું હતું કે આ વંશવાદી ટીપ્પણી છે.
અમેરિકન મતદારોએ ચૂંટીને જે સાંસદોને પોતાનું પ્રતિનિધિત્વ સોંપ્યું છે તેના સંદર્ભમાં પ્રમુખ આવી ટીપ્પણી કરે તે લોકશાહી માટે ગંભીર બાબત છે. જે ચાર સાંસદોની ટ્રમ્પે નામ લીધા વગર ટીકા કરી તે સાંસદોમાં એલેક્ઝેન્ડ્રિયા પ્યુર્ટોરિકો મૂળના છે, ઈલ્હાન સોમાલિયન મૂળના છે, રશીદા ફિલિપાઈન્સના છે અને અનાયા આફ્રિકન મૂળના અમેરિકન મહિલા સાંસદ છે.

