ભારતના લેજન્ડરી સુપરસ્ટાર ક્રિકેટર સચિન તેંડુલકરને આઇસીસીના હોલ ઓફ ફૅમમાં સ્થાન આપવામાં આવ્યું છે. લંડનમાં યોજાયેલા એક સમારંભમાં ક્રિકેટ ગોડ તરીકેની ઓળખ ધરાવતા તેંડુલકરની સાથે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એલન ડોનાલ્ડ અને ઓસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર કેર્થીન ફિટ્ઝપેટ્રિકને પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દિગ્ગજોની હરોળમાં સ્થાન આપવામાં આવ્યું છે.
તેંડુલકર આ સાથે આઇસીસી હોલ ઓફ ફૅમમાં સ્થાન મેળવનારો છઠ્ઠો ભારતીય ખેલાડી બની ગયો છે. અગાઉ બિશન સિંઘ બેદી, સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, અનિલ કુમ્બલે અને રાહુલ દ્રવિડને આ સન્માન મળી ચૂક્યું છે. તેંડુલકરને આ સન્માન આઇસીસીના સીનિયર હોદ્દેદાર મનુ સાહનીના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતુ. આ સમારંભમાં સચિનની પત્ની અંજલી અને પુત્રી સારા પણ ઉપસ્થિત રહ્યા હતા.આઇસીસીના હોલ ઓફ ફૅમમાં ૯૦ ધુરંધર ક્રિકેટરોને સ્થાન મળી ચૂક્યું છે. સૌથી વધુ ૨૮ ખેલાડીઓ ઈંગ્લેન્ડના છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના ૨૬ દિગ્ગજોને હોલ ઓફ ફૅમમાં સમાવવામાં આવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝના ૧૮, ભારતના ૬, પાકિસ્તાનના ૫, ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાના ૩-૩ તેમજ શ્રીલંકાના ૧ ક્રિકેટરને હોલ ઓફ ફૅમમાં સ્થાન મળ્યું છે.
‘ આઇસીસી હોલ ઓફ ફૅમમાં સ્થાન મેળવવું એ અત્યંત ગૌરવમય બાબત છે. આ પળે હું મારી સાથે રહેલા તમામનો આભાર માનુ છું. મારા માતા-પિતા, ભાઈ અજીત, પત્ની અંજલી મારા માટે મજબુત આધારસ્તંભ બની રહ્યા છે. હું ભાગ્યશાળી રહ્યો કે, મને મારી કારકિર્દીની શરૃઆતમાં જ માર્ગદર્શક અને મેન્ટર તરીકે રમાકાંત આચરેકર જેવા કોચ મળ્યા. હું મારા તમામ કેપ્ટનોનો, સાથી ખેલાડીઓનો તેમજ બીસીસીઆઇ અને એમસીએના વહીવટકારોનો આભારી છું કે જેમણે વર્ષો સુધી મને સમર્થન આપ્યું છે અને મને આ રમતની મઝા લાંબો સમય સુધી માણવાની તક પુરી પાડી છે. મારી ક્રિકેટ કારકિર્દીની સરાહના કરવા બદલ હું આઇસીસીનો આભારી છું અને એ બાબતનો ઉલ્લેખ કરતાં ખુશી અનુભવી રહ્યો છું કે, ક્રિકેટ ત્રણેય ફોર્મેટમાં લોકપ્રિય થઈને વિસ્તરી રહ્યું છે.

