ઇમરાન ખાન વડા પ્રધાન બન્યા પછી પાકિસ્તાને એક વર્ષમાં 16 અબજ ડૉલરનું વિદેશી કરજ લીધું

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા બાદ પહેલી વાર પાકિસ્તાનનું વિદેશી કરજ એક વર્ષમાં 16 અબજ ડૉલર થઈ ગયું છે.

16 અબજ ડૉલરનું આ વિદેશી કરજ પાકિસ્તાને નાણાકીય વર્ષ 2018-19માં લીધું છે. જેમાં અગિયાર મહિનાનો કાર્યકાળ ઇમરાન ખાનની સરકારનો રહ્યો છે.

ગત જુલાઈ મહિનામાં નાણાકીય વર્ષ 2018-19માં પૂરું થયું હતું અને અંત સુધીમાં દેવું 16 અબજ ડૉલર સુધી પહોંચી ગયું છે.

16 અબજ ડૉલરમાંથી 13.6 અબજ ડૉલર ઇમરાન ખાનની સરકારના કાર્યકાળમાં લેવામાં આવ્યું છે. જે કોઈ પણ સરકારમાં એક વર્ષમાં લીધેલું સૌથી વધુ વિદેશી કરજ છે.

આ કરજમાં સાઉદી અરબ, સંયુક્ત આરબ અમિરાત અને કતારના પાંચ અબજ ડૉલર સામેલ છે.

પાકિસ્તાનના મુખ્ય અખબાર એક્સપ્રેસ ટ્રીબ્યુનનું કહેવું છે કે નાણા મંત્રાલય તરફથી જે ડેટા રજૂ કરવામાં આવ્યો છે, તેમાં પાંચ અબજ ડૉલરને કરજના રૂપમાં સામેલ કરવામાં આવ્યા નથી.

શરૂઆતમાં ચીનના બે અબજ ડૉલરને પણ વિદેશી કરજમાં સામેલ નહોતા કરાયા, પરંતુ આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષના દબાણમાં પાકિસ્તાનને આમ કરવું પડ્યું છે.

નાણાકીય વર્ષ 2017-18માં પણ પાકિસ્તાને 11.4 અબજ ડૉલરનું વિદેશી કરજ લીધું હતું.