ઉન્નાવ રેપ કેસની પીડિતાના અકસ્માતમાં બીજેપી નેતા કુલદીપ સેંગર અને તેના ભાઇ સહિત 10 લોકો વિરુદ્ધ હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે. પીડિતાના કાકાએ ફરિયાદ નોંધાવી છે.
બીજી તરફ કોંગ્રેસે આ ઘટનાને ષડયંત્ર ગણાવીને વખોડી છે. કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં કાયદા વ્યવસ્થાની ખરાબ હાલતનો દાવા કરતા હાઇ કોર્ટને આ મામલે તપાસ ચલાવવા અપીલ કરી હતી. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ મામલે સીએમ યોગી પર નિશાનો સાધતા સવાલ કર્યો હતો કે આ દુર્ઘટના હતી કે હત્યાનું ષડયંત્ર? સુરજેવાલાએ નિવેદન આપ્યું હતું કે, ઉન્નાવ રેપ કેસની પીડિતા સાથે થયેલ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો છે. મામલાના મુખ્ય આરોપી કુલદીપ સેંગર અને તેના સાથીદારોને બીજેપી રક્ષણ આપી રહી છે, જે દેશ જાણે છે. આ દરમિયાન કોંગ્રેસ પ્રવક્તાએ પીડિતાના પિતાની પોલીસ કસ્ટડીમાં થયેલી મોત સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રવિવારે ઉન્નાવ રેપ કેસની પીડિતા તેના પરિવારના સભ્યો સાથે કારમાં સવાર હતી, જેને એક ટ્રકે ટક્કર માર હતી. આ દુર્ઘટનામાં પીડિતાની માસી, કાકી અને ડ્રાઇવરના મોત થયા હતા. કારમાં સવાર પીડિતા અને તેનો વકીલ ગંભીર રીતે ઘવાયા હતા જેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મામલમાં પીડિતાએ બીજેપી નેતા કુલદીપ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જે પછી પીડિતાના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આકરી પ્રતિક્રિયા આપતા કટાક્ષમાં ટ્વીટ કરી હતી કે, વર્તમાન સમયમાં બળાત્કારનો આરોપી ભાજપનો નેતા હોય તો સવાલ પૂછવાની સખ્ત મનાઇ છે. રાહુલે ટ્વીટમાં લખ્યું હતું કે, બેટી બચાઓ- બેટી પઢાઓ. ભારતીય મહિલાઓ માટે એક ખાસ શિક્ષણ બુલેટિન છે. જો ભાજપનો ધારાસભ્ય તમારા બળાત્કારનો આરોપી હોય તો સવાલ ના પૂછશો.

